Site icon Gujarat Mirror

ભુજના યુવાનને શેરબજારમાં નફાની લાલચ આપી 32.82 લાખની ઠગાઇ

શેરબજારમાં રોકાણના લાભાલાભ બતાવી ભુજના શખ્સને નફાની જાળમાં ફસાવી રૂૂા. 32.82 લાખની ઓનલાઈન છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે બોર્ડર રેન્જ-ભુજના સાયબર પોલીસ મથકે ભુજના ભાનુશાલીનગરમાં રહેતા હિતેશભાઈ રસિકલાલ સોનીએ નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ ગત તા. 4/11/25ના તેમને એક ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો, જ્યાં દરરોજ શેરમાર્કેટમાં ઈન્વેસ્ટ કરવા બાબતેની ટિપ્સો આપવામાં આવતી હતી. તેઓના શેરમાર્કેટમાં રોકાણ પર તથા આઈપીઓ એલોટમેન્ટનાં કામની સફળતાની ટકાવારી ઊંચી હોવાની વાતો કરાતી હતી.

ફરિયાદીને ઈન્વેસ્ટ કરવા અંગે પૂછાતાં તેમણે હા પાડતાં વોટ્સએપ નંબર અપાયા હતા. આ વોટ્સએપ પર મેસેજ કરતાં તેણે પોતે ઓઆરએલએમ એલએલસીના ગ્રુપ સર્વિસ વિભાગના મેનેજર હોવાની વાત કરી હતી અને તેણે મોકલેલી લિંક પરથી એપ ડાઉનલોડ કરી વિગતો ભરી હતી. તે કહેતા એ પ્રમાણે પૈસા ભરતા હતા. સામાવાળાનાં બેન્ક ખાતાંમાં જમા કરાવતા તે રકમ એપમાં ફરિયાદીના ડિજિટલ વોલેટમાં જમા બતાવાતી હતી. ફરિયાદીએ તા. 3/12થી 23/12 દરમ્યાન કુલ 13 વખત નાણાં જમા કરાવ્યાં હતાં, જે રકમ રૂૂા. 32,82,005 થઈ હતી. ફરિયાદીએ આ પૈસા ઉપાડવા વિડ્રોવાળા વિકલ્પ પર ક્લિક કરતાં દર્શાવ્યું કે, તમને લાગેલા આઈ.પી.ઓ.ની રકમ હજુ પેન્ડિંગ બતાવે છે, જેથી રકમ સૌપ્રથમ ભરશો પછી વિડ્રો કરી શકશો. વોટ્સએપ નંબરધારકને વાત કરતાં તેણે પણ એમ જ જણાવ્યું. આથી ફરિયાદીને ફ્રોડ થયાનો શક જતાં ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version