ગુજરાત
54 હજાર સ્કૂલના 1.15 કરોડ છાત્રોના દિવાળી વેકેશનનો પ્રારંભ
17 નવેમ્બર સુધી બાળકોને જલ્સા, 18મીથી બીજા શૈક્ષણિક સત્રનો થશે પ્રારંભ
રાજ્યમાં આવેલી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ 54 હજાર જેટલી સ્કૂલોમાં અભ્યાસ કરતા 1.15 કરોડ વિદ્યાર્થીઓ માટે સોમવારથી સત્તાવાર રીતે 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થયો છે. સ્કૂલોમાં 23 ઓક્ટોબરના રોજ પ્રથમ પરીક્ષા પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થીઓ વેકેશનના મૂડમાં આવી ગયા હતા પરંતુ સોમવારથી સત્તાવાર રીતે વેકેશનનો પ્રારંભ થયો છે.
આ વેકેશન 17 નવેમ્બર સુધી ચાલશે. ત્યારબાદ 18 નવેમ્બરથી રાજ્યમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. રાજ્યમાં કેવાયસીના નામે શિક્ષકોના વેકેશન પર રોક લગાવવાના ફતવાથી ભારે આક્રોશ ફેલાયો હતો. જેના પગલે શિક્ષણ વિભાગે પીછેહઠ કરી શિક્ષકોને વેકેશન આપવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુાસર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ 5 જુલાઈના રોજ એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન ચાલુ વર્ષે જાહેર કરવામાં આવેલા એકેડેમિક કેલેન્ડર અનુસાર ધોરણ-9થી 12ની પ્રથમ પરીક્ષા 14 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર દરમિયાન લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 23 ઓક્ટોબરના રોજ છેલ્લા પેપર સાથે પ્રથમ પરીક્ષા પૂર્ણ થતાં વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો અને વિદ્યાર્થીઓ વેકેશનના મૂડમાં આવી ગયા હતા.
જોકે, રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સોમવારના રોજથી સત્તાવાર રીતે 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થયો છે. મોટાભાગની સ્કૂલો દ્વારા વેકેશન પૂર્ણ થયા બાદ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી હાથ ધરવાનું આયોજન કર્યું છે. જેના પગલે બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ શાળાઓ દ્વારા પ્રથમ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. રાજ્યમાં 17 નવેમ્બરના રોજ દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ 18 નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.
બીજા શૈક્ષણિક સત્રમાં અભ્યાસના 135 દિવસ નક્કી કરવામાં આવ્યા છે અને 4 મેના રોજ બીજા શૈક્ષણિક સત્રનો અંત થશે. બીજા શૈક્ષણિક સત્ર દરમિયાન જાન્યુઆરી માસમાં 20 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી દરમિયાન દ્વીતીય પરીક્ષા અને પ્રીલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જ્યારે બોર્ડની શાળાકીય પરીક્ષાનો 31 જાન્યુઆરીથી પ્રારંભ કરી દેવામાં આવશે. મોટાભાગે આ પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાતી હતી, પરંતુ આ વખતે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા વહેલી યોજાવાની હોવાથી શાળાકીય પરીક્ષા પણ વહેલી પૂર્ણ કરવાનું આયોજન છે.
શિક્ષકોને કેવાયસીના નામે વેકેશનમાં પણ કામગીરી
સરકાર દ્વારા સ્કોલરશીપને લઈને કેવાયસીમાં રાહત આપ્યા બાદ પણ અધિકારીઓ દ્વારા હઠાગ્રહ રખાતા શિક્ષકો રોષે ભરાયા હતા. કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી શિક્ષકોને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ પણ કરાયો હતો. જેના પગલે રાજ્યના વિવિધ શૈક્ષણિક સંગઠનો દ્વારા રજૂઆત પણ કરી હતી. જોકે, આમ છતાં અધિકારીઓ દ્વારા લેખિતમાં પરિપત્ર પરત લીધો ન હોવાનું જાણવા મળે છે, પરંતુ શાળાઓમાં તપાસ કરતા શિક્ષકોને વેકેશનમાં જવા દેવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે.