ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં હેલ્થ પરમિટ હેઠળ દારૂૂ ખરીદતા પરમિટ ધારકોને છેલ્લા કેટલાક મહિનાથી પોતાની પસંદગીની બિયર અને ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ (IMFL) મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. રાજ્યની અનેક વાઇન શોપમાં વિવિધ બ્રાન્ડની બિયરનો સ્ટોક ખૂટી જતાં પરમિટ ધારકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં અંદાજે 45 હજારથી 50 હજાર જેટલા હેલ્થ પરમિટ ધારકો છે, જ્યારે વિવિધ શહેરોમાં 85થી વધુ લાઇસન્સપ્રાપ્ત વાઇન શોપ કાર્યરત છે. સુરતમાં જ આશરે 9 હજાર પરમિટ ધારકો છે. અહીં અગાઉ છ વાઇન શોપ કાર્યરત હતા, પરંતુ એક વાઇન શોપ બંધ થતાં હાલમાં પાંચ જ વાઇન શોપ પરથી પરમિટ ધારકોને દારૂૂ મળી રહ્યો છે. આબકારી અને નશાબંધી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પાણીની અછતને કારણે દારૂૂ અને બિયર ઉત્પાદક કંપનીઓનું ઉત્પાદન ઘટ્યું છે.
પાણીના મર્યાદિત ઉપયોગને કારણે કંપનીઓએ સૌપ્રથમ પોતાના રાજ્યની માંગને પ્રાથમિકતા આપતા અન્ય રાજ્યોમાં સપ્લાય મર્યાદિત કરી છે. તેના કારણે ગુજરાતમાં વિવિધ બ્રાન્ડની બિયર અને IMFLની ઉપલબ્ધિ પર અસર પડી છે.
પરિણામે, પરમિટ ધારકોને પોતાની પસંદગીની બ્રાન્ડને બદલે ઉપલબ્ધ સ્ટોકમાંથી જ ખરીદી કરવી પડી રહી છે. છેલ્લા ત્રણ મહિનાથી આ સ્થિતિ યથાવત રહેતાં રાજ્યના વિવિધ શહેરોમાંથી આબકારી અને નશાબંધી વિભાગને ફરિયાદો પણ મળી રહી છે.
ગાંધીનગર ખાતે આબકારી અને નશાબંધી વિભાગના એક અધિકારીએ અટલ સવેરા ને જણાવ્યું હતું કે, હાલ સપ્લાયમાં ઘટાડો થયો છે, પરંતુ આગામી સમયમાં કંપનીઓ સાથેના સંકલન બાદ પુરવઠો સામાન્ય થાય તેવી શક્યતા છે.
આ માટે વિવિધ ઉત્પાદક કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ યોજવામાં આવી છે, જેથી પરમિટ ધારકોને ફરીથી નિયમિત અને પસંદગી મુજબની બ્રાન્ડ ઉપલબ્ધ થઈ શકે.

