ચોટીલા પાસે ટ્રકમાંથી 43 લાખના બિયર ટીન ઝડપાયા

ચોટીલા પંથકમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર દારૂૂની ગેરકાયદેસર હેરાફેરીનો મોટો પર્દાફાશ રાજકોટ રેન્જની ક્રાઇમ ટીમે કરતા બુટલેગર અને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.…

ચોટીલા પંથકમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર દારૂૂની ગેરકાયદેસર હેરાફેરીનો મોટો પર્દાફાશ રાજકોટ રેન્જની ક્રાઇમ ટીમે કરતા બુટલેગર અને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ચોટીલાની આણંદપુર ચોકડી પાસેથી રાજસ્થાન પાસિંગના એક ટાટા ટ્રક માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂના અલગ-અલગ બ્રાન્ડના કુલ 34,800 બિયરના ટીન (1,450 પેટી) કિંમત રૂૂ. 43.50 લાખનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી ટ્રક સહિત કુલ રૂૂ. 58,55,300નો મુદ્દામાલ કબજે કર્યો છે.

દેવ દિવાળી ના રોજ રાજકોટ રેન્જની ક્રાઈમ ટીમ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન નાની મોલડી ગામ નજીક બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગનો ટાટા ટ્રક નં. RJ-19-GC-6579માં ભારતીય બનાવટના બિયરના ટીન ભરી લીંબડી તરફથી ચોટીલા થઈ મોરબી તરફ જવાનો છે. આ બાતમીના આધારે પીએસઆઇ વી સી મીયાત્રા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, હિતેશભાઈ જોગરાણા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અજયસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, રાજુભાઈ પઢેરીયા, સહિતની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન રાત્રિના આશરે 2:40 વાગ્યે આણંદપુર ચોકડી નજીક શંકાસ્પદ ટ્રક પસાર થતા તેને અટકાવી તપાસ કરતાં તાડપત્રી નીચે છુપાવી રાખેલો બિયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

ટ્રકની તપાસ દરમિયાન ત્રણ અલગ-અલગ બ્રાન્ડના બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કિંગફિશર સ્ટ્રોંગ ક્લાસિક પ્રીમિયમ બિયરના 770 બોક્સ (18,480 ટીન), કોપનહેગન ડેનમાર્ક પ્રીમિયમ બિયરના 540 બોક્સ (12,960 ટીન) તથા હેવર્ડ્સ 5000 સુપર સ્ટ્રોંગ બિયરના 140 બોક્સ (3,360 ટીન) મળી કુલ 1,450 બોક્સ અને 34,800 ટીન મળી આવ્યા હતા.

પોલીસે ટ્રકચાલક પ્રેમારામ ભવરલાલ ખોડ (જાતે જાટ), રહે. ધાધણીયા-ભાયલા, તા. બાલેશ્વર, જી. જોધપુર, રાજસ્થાનની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો પંજાબના લુધિયાણા ટ્રાન્સપોર્ટ નગરથી ભરી આપવામાં આવ્યો હોવાનું અને શ્રવણ જાટના કહેવાથી મોરબી તરફ લઈ જવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. મોરબી પહોંચ્યા બાદ જથ્થો કોને સોંપવાનો હતો તે અંગે ટ્રકચાલકને જાણ ન હોવનું તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું.પોલીસે દારૂૂના જથ્થા ઉપરાંત રૂૂ. 15 લાખનો ટાટા ટ્રક, મોબાઇલ ફોન, તાડપત્રી અને રસ્સી મળી કુલ રૂૂ. 58,55,300નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ ગુનામાં શ્રવણ જાટ સહિત અન્ય ચાર વ્યક્તિઓની સંડોવણી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ અન્ય આરોપીઓ પોલીસને હાથ લાગ્યા નથી. આ પ્રકરણમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65 (એ) ઇ સહિતની કલમો મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ચોટીલા નેશનલ હાઈવે ઉપર સતત પેટ્રોલીંગ કરતી સ્થાનિક પોલીસ વચ્ચે રાજકોટ રેન્જ ની ક્રાઇમ ટીમે મસમોટો પંજાબ થી મોરબી જતો બીયરના ટીનનો જથ્થો ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામેલ છે. તેમજ દારૂૂબંધી હોવા છતા પંજાબ થી છેક ચોટીલા સુધી જથ્થો ટ્રકમાં આવી પહોંચતા બોર્ડરો, ટોલ નાકા અને રાજ્યના નેશનલ હાઈવે ઉપર કેવું પેટ્રોલીંગ ચાલતું હશે તે પણ સવાલ ઉદભવે છે.!