રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હોય તેમ એક પછી એક ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે. શહેરમાં વધુ એક સનસનાટીભરી હત્યાનો બનાવ બનતાં ચકચાર મચી ગઈ છે. શહેરના કાલાવડ રોડ પર આવેલી મટુકી રેસ્ટોરન્ટની પાછળ મોટા મવા વિસ્તારમાં સ્થિત બાપા સીતારામ સોસાયટીમાં એકલા રહેતાં અને બ્યુટી પાર્લર ચલાવતી મહિલાની તેના જ ઘરમાં ગળું કાપી નિર્મમ હત્યા કરી દેવામાં સનસનાટી મચી ગઈ છે. આ હત્યાનો ભેદ ઉકેલવા હાલ મહિલાથી અલગ રહેતા તેના પતિ અને હેર સલુન ચલાવતા પુત્રની પુછપરછ શરૂૂ કરી છે.
બનાવ અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર, કાલાવડ રોડ પર મોટા મવા વિસ્તારની બાપા સીતારામ સોસાયટીમાં આવેલા મકાનમાં રહેતાં અને ઘર નજીક જ બ્યુટી પાર્લર ચલાવતા ગીતાબેન કિશોરભાઈ વાજા (ઉંમર વર્ષ 55)ની તેમના જ ઘરમાં ગળું કાપી નિર્મમ હત્યા કરી નાખવામાં આવી હતી. હેરસલુન ચલાવતો અને દુકાને જ રાતે સુઈ રહેતો પુત્ર નિત્ય ક્રમ મુજબ સવારે ઘરે ન્હાવા માટે આવ્યો ત્યારે માતાની હત્યાની જાણ થઇ, આજે સવારે આશરે નવેક વાગ્યાના સુમારે તેમનો પુત્ર આશિષભાઈ કિશોરભાઈ વાજા માતાના ઘરે આવ્યો હતો. તેણે ઘરમાં પ્રવેશ કરતાં જ માતા ગીતાબેનને અત્યંત લોહીલુહાણ અને બેભાન હાલતમાં જમીન પર પડેલા જોતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે તાત્કાલિક પોતાની માતાને જગાડવાનો અને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતાં તેણે તુરંત જ 108 એમ્બ્યુલન્સ સેવા અને પોલીસ કંટ્રોલ રૂૂમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયાં હતાં, જ્યાં 108ના તબીબે પ્રાથમિક તપાસ બાદ ગીતાબેનને મૃત જાહેર કર્યા હતા.
બનાવની જાણ થતા ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ તેમજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ કે. કે. ગોહિલ, પીએસઆઈ એસ. એન. સ્યોરા તથા ડી-સ્ટાફની ઉપરાંત એલસીબી ઝોન-2 પીએસઆઈ એસ. વી. ચુડાસમા, એએસઆઈ હરપાલસિંહ જાડેજા, જે. વી. ગોહિલ, રાજેશભાઈ તેમજ શક્તિસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવ સ્થળેથી મહત્વના વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા માટે એફએસએલ ની ટીમને પણ બોલાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ગીતાબેનના પતિ કિશોરભાઈ જૂનાગઢ રહેત છે જયારે પુત્ર આશિષભાઈ પણ હેર સલુનની દુકાને જ રહે છે અને રાતે ત્યાં સુદી જાય છે. જ્યારે તેમનો અન્ય એક પુત્ર જીતુભાઈ અમદાવાદ ખાતે રહે છે. ગીતાબેન અહીં એકલા જ રહેતા હતા. જૂનાગઢ રહેતા પતિ હાલ રાજકોટ આવ્યો હોય તે પુત્રની હેર સલુનની દુકાને જ રહેતો હોવાની માહિતી મળી છે.
ઘટનાની જાણ પતિ કિશોરભાઈ પણ બાપા સીતારામ સોસાયટી ખાતે દોડી ગયા હતા. પોલીસે હાલ પિતા-પુત્ર બન્નેની વિસ્તૃત અને ગહન પૂછપરછ હાથ ધરી છે. આશિષભાઈએ પોલીસ સમક્ષ રટણ કર્યું હતું કે તેઓ સવારે ઘરે આવ્યા ત્યારે જ માતા લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. હાલમાં આ ભેદી હત્યાના બનાવથી અનેક સવાલો અને શંકાઓ ઊભી થઈ છે. પોલીસે સોસાયટી તથા આસપાસના રસ્તાઓ પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરી છે જેથી ઘટના સમયે મકાનમાં કોણ આવ્યું હતું તેની માહિતી મળી શકે. ડીસીપી રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે હાલ પ્રાથમિક તપાસમાં હત્યારા કે હત્યા પાછળના કોઈ ચોક્કસ કારણ અંગે સ્પષ્ટ વિગતો બહાર આવી નથી, પરંતુ પોલીસની વિવિધ ટીમો બનાવી અલગ અલગ દિશામાં સઘન તપાસ શરૂૂ કરવામાં આવી છે અને આ ભેદ ઉકેલવા ત્વરિત પ્રયાસો ચાલુ છે.
રાજકોટમાં નવ મહિનામાં 27 અને બે દિવસમાં બીજી હત્યા
શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હોય તેમ એક પછી એક ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે. બે દિવસ પૂર્વે જ શહેરના રેલનગર વિસ્તારમાં બાંધકામની સાઈટ પર ઓરિસ્સાના મજૂરે મધ્યપ્રદેશની યુવતીનો હાથ પકડતાં તેણીના બે ભાઈઓ સહિત ત્રણ શખ્સોએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી હતી. ત્યાં જ બે દિવસમાં રાજકોટ શહેરમાં વધુ એક સનસનાટીભરી હત્યાનો બનાવ બનતાં ચકચાર મચી ગઈ છે. રાજકોટમાં છેલ્લા 9 મહિનામાં હત્યાના 27 બનાવો બન્યા છે. જેમાં દારૂૂ ઝેર પીવડાવી બુટલેગએ બે યુવાનોની કરેલી હત્યા, રૈયાધારે પૌત્રએ દાદાની હત્યા કરી હતી તેમજ પતિને પત્નીની અને પિતાએ પુત્રની કરેલી હત્યા ચર્ચાસ્પદ રહી છે. રાજકોટ શહેરમાં નવ મહિનામાં થયેલી 27 હત્યામાં સૌથી વધુ યુનિવર્સીટી પોલીસ મથક વિસ્તારમાં આજે 7 મી હત્યાનો બનાવ બન્યો છે.

