Site icon Gujarat Mirror

તાપણા તૈયાર રાખજો, કાલથી કાતિલ ઠંડીનો રાઉન્ડ

આજનો દિવસ માવઠું મંડરાશે પછી 10-જાન્યુઆરી સુધી ઠંડી કરશે જમાવટ

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે માવઠુ વરસી રહ્યુ છે. ત્યારે આવતીકાલથી કાતિલ ઠંડીનો દોર શરૂ થવાની આગાહી કરવામા આવી છે. ગુજરાતમાં હજુ આજે સાંજે સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા કમોસમી વરસાદ ચાલુ રહેશે જયારે આવતીકાલથી લગભગ બે પખવાડીયા સુધી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામા આવી છે. ખાસ કરીને થર્ટી-ફર્સ્ટના દિવસે રાજયભરમાં કાતિલ ઠંડી શરૂ થશે અને આ ઠંડીનો દોર આગામી તા.10જાન્યુઆરી સુધી ચાલશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યના સૌરાષ્ટ્રના ભાગોમા માવઠાંની અસર જોવા મળશે નહીં. જોકે સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે જયારે આવતી કાલે તા.29 ડિસેમ્બરથી 10 જાન્યુઆરીમાં વચ્ચે કડકતી ઠંડી પડી શકે છે. જેને લઇ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. ત્યારે આના કારણે કચ્છના નલિયામાં પારો ગગડી શકે છે.

અંબાલાલ પટેલના વધુ જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા નહિવત છે. પરંતુ સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી કલાકો માટે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે ત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આ જિલ્લાઓમાં કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, ભરૂૂચ, પંચમહાલ , દાહોદ, મહીસાગર ,છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. ગુજરાતની સાથો સાથ આવતી કાલથી હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મિર, પંજાબ, હરિયાણા, ઉત્તર-પૂર્વ રાજસ્થાન, દિલ્હી, ઓડિસા, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને પૂર્વઉત્તર ભારતમાં પણ કાતિલ ઠંડી શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. આ રાજ્યોમાં આજે પવન સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરાઈ છે.

Exit mobile version