ભારતીય ક્રિકેટમાં લાંબા સમયથી ચાલી આવતી અને યુવા તકોને હડપતી ’ઉંમરની છેતરપિંડી’ની ગંભીર સમસ્યા સામે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) એ હવે લાલ આંખ કરી છે. બોર્ડે આ દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક પગલું ભર્યું છે.
તાજેતરના અહેવાલો મુજબ, બીસીસીઆઈએ ખેલાડીઓ દ્વારા રજૂ કરવામાં આવતા ઉંમર સંબંધિત તમામ દસ્તાવેજોની ઊંડાણપૂર્વક અને સ્વતંત્ર તપાસ કરવા માટે એક વિશિષ્ટ એજન્સી સાથે કરાર કર્યો છે. જો આ તપાસ દરમિયાન કોઈપણ ખેલાડીની ઉંમર ખોટી કે બનાવટી સાબિત થશે, તો તેની સામે આકરી કાર્યવાહી અને આજીવન કે લાંબા ગાળાનો પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી લેવામાં આવી છે.
માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ ઉંમરની છેતરપિંડીના કારણે ભૂતકાળમાં પણ ઘણા નામાંકિત ભારતીય ક્રિકેટરોની કારકિર્દી પર દાગ લાગી ચૂક્યો છે. રસિક સલામ, પ્રિન્સ યાદવ, મનજોત કાલરા અને નીતિશ રાણા જેવા જાણીતા ખેલાડીઓ ઉંમર છુપાવવાના કે ખોટા પુરાવા આપવાના વિવાદમાં ફસાયા હતા અને બોર્ડ દ્વારા તેમની સામે પ્રતિબંધ સહિતના શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા હતા.
BCCI એક એવી અત્યાધુનિક સિસ્ટમ વિકસાવી રહ્યું છે જે સિલેક્શન પ્રોસેસમાં સંપૂર્ણ પારદર્શિતા લાવશે. બોર્ડે જે સ્વતંત્ર એજન્સી સાથે હાથ મિલાવ્યા છે તે માત્ર કાગળો જોઈને નિર્ણય નહીં લે, પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરશે.
આ એજન્સી ખેલાડીઓના જન્મ પ્રમાણપત્ર સરકારી ઓળખપત્રો અને શાળાના મૂળ રેકોર્ડ્સની રૂૂબરૂૂ તેમજ ઓનલાઈન ચકાસણી કરશે. એજન્સી ખેલાડી જે શાળામાં ભણ્યો હોય ત્યાં પહોંચીને મૂળ રજિસ્ટર અને શાળાના એડમિશન સમયના દસ્તાવેજો ચકાસશે. તમામ સ્તરેથી લીલી ઝંડી મળ્યા પછી જ ખેલાડીના દસ્તાવેજને માન્ય ગણવામાં આવશે. જો તપાસ દરમિયાન કોઈ ખેલાડી ઉંમરની હેરાફેરી કે દસ્તાવેજોમાં ગડબડ કરવાનો દોષી ઠરશે, તો તેના પર તુરંત અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. આવો ખેલાડી કોઈપણ વય-જૂથ કે પોતાના રાજ્યની સીનિયર ટીમ માટે રમી શકશે નહીં.
બીસીસીઆઈ સજા કરતા પહેલાં સંબંધિત ખેલાડીને ‘કારણ દર્શાવો નોટિસ’ જારી કરશે. ખેલાડીને પોતાનો પક્ષ રજૂ કરવાની અને નિર્દોષતા સાબિત કરવાની પૂરતી તક આપવામાં આવશે. પરંતુ જો તે સંતોષકારક પુરાવા આપવામાં નિષ્ફળ રહેશે, તો તેની ક્રિકેટ કારકિર્દી જોખમમાં મુકાઈ જશે.
