જિલ્લામાં ઓનલાઈન છેતરપીંડીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ગોંડલ શહેરમાં ઓનલાઈન ડિજિટલ છેતરપિંડીના બે ગંભીર બનાવો સામે આવ્યા છે. ફેક કસ્ટમર કેર કોલ તથા મોબાઈલ હેંગ કરીને સાયબર માફિયાઓએ બે અલગ-અલગ વેપારીઓને નિશાન બનાવી કુલ રૂૂ. 3 લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયદ ગોંડલ બી-ડિવિઝન તથા ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
પ્રથમ બનાવમાં ગોંડલના ગણેશનગર-2 વિસ્તારમાં રહેતા અને માર્કેટીંગ યાર્ડમાં વેપાર કરતા 22 વર્ષીય મીતભાઈ ઓધવજીભાઈ બાલધાએ ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત તા. 03/02/2026 ના રોજ તેમના કાકી રેખાબેનના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.
ફોન કરનારે પોતે એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડના કસ્ટમર કેર અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી હતી.
સામ સામેની વાતચીતમાં ગઠીયાએ જણાવ્યું હતું કે, ક્રેડિટ કાર્ડ પર હેલ્થ ઈન્સ્યોરન્સ ચાલુ થઈ ગયેલ છે અને જો તે બંધ નહીં કરવામાં આવે તો દર મહિને રૂૂ. 4,000 નો ચાર્જ લાગશે. પ્લાન બંધ કરાવવાની લાલચ આપી ગઠીયાએ ગુગલ પર HDFClogin.web.appનામની વેબસાઈટ સર્ચ કરાવી લોગીન કરાવ્યું હતું. વેબસાઈટ લોડ થતા જ ફરિયાદીની માતા રતનબેનના ક્રેડિટ કાર્ડમાંથી અલગ-અલગ બે ટ્રાન્ઝેક્શન રૂૂ. 97,850/- અને રૂૂ. 1,01,970 મારફતે કુલ રૂૂ. 1,99,820 ની રકમ ઉપાડી લેવાઈ હતી. ગભરાઈ ગયેલા પરિવારજનોએ તાત્કાલિક એપ્લિકેશન મારફતે કાર્ડ બ્લોક કરાવ્યું હતું અને સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ગોંડલ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં ગોંડલના ભગવતપરા વિસ્તારમાં રહેતા અને ’વિજય પ્રોવિઝન’ નામની દુકાન ધરાવતા 46 વર્ષીય દીપકભાઈ ટપુભાઈ સોંદરવાએ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગત તા. 10/10/2026 ના રોજ સવારે તેઓ પોતાની દુકાને હતા ત્યારે અચાનક તેમના મોબાઈલની ડિસ્પ્લે બંધ થઈ ગઈ હતી અને 15 મિનિટ બાદ મેળે જ ચાલુ થઈ ગઈ હતી. તે સમયે મોબાઈલ બગડી ગયો હશે તેમ માની તેમણે ધ્યાન આપ્યું ન હતું. ત્યારબાદ સાંજના સમયે પોતાના પુત્રને ઓનલાઈન નાણાં મોકલવા માટે ગુગલ પે ખોલતા ટ્રાન્ઝેક્શન નિષ્ફળ ગયું હતું. એકાઉન્ટ સ્ટેટમેન્ટ તપાસતા માલૂમ પડ્યું હતું કે, મોબાઈલ ડિસ્પ્લે હેંગ થઈ તે સમયગાળા દરમિયાન કોઈ પણ જાતના ઘઝઙ કે લિંક વગર બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂૂ. 99,000 યુ.પી.આઈ. મારફતે અન્યોના ખાતામાં તથા રૂૂ. 1,000 એમેઝોન પે ગિફ્ટ કાર્ડમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. આમ, અજાણ્યા સાયબર અપરાધીએ મોબાઈલ હેંગ કરી કુલ રૂૂ. 1,00,000 ની છેતરપિંડી આચરી હતી. આ અંગે ગોંડલ સીટી પોલીસે આઈ.ટી. એક્ટ કલમ 66-ડી મુજબ ગુનો નોંધી આગળની કારવાઈ હાથ ધરી છે.
સાયબર ક્રાઈમના વધતા જતા બનાવોને ધ્યાને રાખી પોલીસે નાગરિકોને અજાણ્યા નંબર પરથી આવતા કસ્ટમર કેરના કોલ કે શંકાસ્પદ વેબ-લિંક્સ પર વિશ્વાસ ન કરવા અને કોઈ પણ બેંકિંગ વિગતો કે ઓટીપી શેર ન કરવા અપીલ કરી છે.
