રાષ્ટ્રીય
બટેંગે તો કટેંગે માત્ર નારો નહિં, નક્કર કામગીરી જરૂરી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું બટેંગે તો કટેંગે સૂત્ર છેલ્લાં કેટલાક સમયથી ચર્ચામાં છે. પહેલાં ઉત્તર પ્રદેશમાં ને પછી હરિયાણા વિધાનસભાની ચૂંટણી દરમિયાન યોગી આદિત્યનાથે હિંદુઓને એક રહેવાની અપીલ કરતાં કહેલું કે, હિંદુઓ એક રહેશે તો બચશે, બાકી કપાઈ મરશે. બાંગ્લાદેશનું ઉદાહરણ આપણી નજર સામે છે અને એવી ભૂલો અહીં ન થવી જોઈએ બટેંગે તો કટેંગે. સંગઠિત રહીશું તો ઉમદા રહીશું. સુરક્ષિત રહીશું અને સમૃદ્ધિના શિખરે પહોંચીશું. યોગીના પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 5 ઓક્ટોબરે મહારાષ્ટ્રના થાણે અને વાશિમમાં વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરતી વખતે કહેલું કે, હિંદુઓએ એક થવાની જરૂૂર છે કેમ કે તેમની વોટ બેંક અકબંધ જ રહેશે પણ બાકીની મતબેંક સરળતાથી વહેંચાઈ જશે. તેમની એટલે મુસ્લિમોની એ કહેવાની જરૂૂર છે ખરી? હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ પણ યોગીના નબટેંગે તો કટેંગેથ નારાનું સમર્થન કર્યું છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નંબર ટુ એટલે કે સરકાર્યવાહક દત્તાત્રેય હોસાબલેએ પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું કે, હિંદુ સમાજ એક નહીં રહે તો હમણાં પ્રચલિત ભાષામાં બટેંગે તો કટેંગે થઈ શકે છે. હોસાબોલેના કહેવા પ્રમાણે, આપણે હિંદુ સમાજમાં ઉચ્ચ અને પછાત, જ્ઞાતિ અને ભાષા વચ્ચે તફાવત કરીશું તો આપણે નાશ પામીશું તેથી એકતા જરૂૂરી છે. હિંદુ સમાજની એકતા લોકકલ્યાણ માટે છે અને આ એકતા દરેકને સુખી કરશે. અત્યારે હિન્દુઓને તોડવાનું કામ થઈ રહ્યું છે તેથી હિંદુઓએ ચેતવું જરૂૂરી છે અને એક રહેવું જરૂરી છે. સૈદ્ધાંતિક રીતે આ બધી વાતો સાવ સાચી છે તેમાં કોઈ શંકા નથી.
દુનિયાભરમાં વધી રહેલા જિહાદી કટ્ટરવાદના પ્રભાવને ખાળવા માટે દુનિયાના બીજા દેશોમાં પણ બધાં મથી રહ્યાં છે ત્યારે હિંદુઓએ પણ મથવું જોઈએ. હિંદુઓ એક થયા વિના આ પ્રભાવને ના ખાળી શકે. ભારતમાં હિંદુઓની બહુમતી છે એટલે ભારતમાં કટ્ટરવાદના પ્રભાવને ખાળવાની જવાબદારી હિંદુ સમુદાયના માથે છે તેથી હિંદુ સમુદાયે એક થવું જ પડે. હિંદુઓ કટ્ટરવાદના પ્રભાવને ના ખાળી શકે તો કટ્ટરવાદીઓ હાવી થઈ જશે ને તેમાં જે લોકો કપાશે કે મરશે એ હિંદુઓ જ નહીં હોય પણ બધા હશે. જેમને આ કટ્ટરવાદ મંજૂર નથી એવા હિંદુ, મુસલમાન, શીખ, ઈસાઈ બધા કપાશે. એવું ના થાય એ માટે હિંદુઓએ એક થવું જરૂૂરી છે તેમાં બેમત નથી. સૈદ્ધાંતિક રીતે સૌ કોઈએ તેને સમર્થન આપવું જ જોઈએ પણ સવાલ એ છે કે, હિંદુઓની એકતા એટલે શું? અને તેના કરતાં મોટો સવાલ એ છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે બીજા કહેવાતા કોઈ પણ હિંદુવાદી સંગઠનો હિંદુઓને એક કરી શકે તેમ છે ખરા?બહુ નાની નાની ઘટનાઓ છે પણ કોઈ ઉચ્ચ જ્ઞાતિની છોકરી કહેવાતી નીચલી જ્ઞાતિના છોકરાને પરણે ત્યારે થતા વિરોધ કે હત્યાઓ સામે સંઘ ચૂપ રહે છે.
હિંદુવાદના નામે ચરી ખાનારા કહેવાતા સાધુ-સંત દુરાચાર કરે ત્યારે પણ એ લોકો ચૂપ રહે છે. હિંદુત્વના નામે ચૂંટાઈને સતામાં બેઠેલો કોઈ રાજકારણી ભ્રષ્ટાચાર કરે કે મુસ્લિમોનાં પગોમાં આળોટીને ઈદ મનાવવાની ને સેવૈયાં ખાવાની વાતો કરે ત્યારે પણ સંઘ ચૂપ રહે છે. આ સંજોગોમાં સવાલ એ થાય છે કે, ખરેખર હિંદુઓએ કોની સામે ને શાના માટે એક થવાની જરૂૂર છે? એ જ જ્ઞાતિના નામે ઝઘડા, ધર્મના નામે અધર્મ કે સત્તાલાલસા માટે તુષ્ટિકરણ થતું હોય તો હિંદુઓ કઈ રીતે એક થઈ શકે?આ વાત સાવ સાચી છે. ભારતમાં જ્ઞાતિવાદ જ સર્વસ્વ છે ને લોકો જ્ઞાતિવાદને આધારે જ બધું નક્કી કરે છે.
જ્ઞાતિવાદ ભારતનું સદીઓ જૂનું દૂષણ છે ને આ દૂષણના કારણે થયેલા અત્યાચારો અને દમનની વાતો થથરાવી નાંખનારી છે. જ્ઞાતિવાદ હિંદુત્વ માટે કલંક છે ને આ કલંકથી મુક્ત થવું જરૂૂરી છે પણ કમનસીબે એવું થતું નથી. સંઘ કે કોઈ પણ કહેવાતો હિંદુવાદી આ જ્ઞાતિવાદ સામે જંગ છેડતો નથી તેથી સમાજ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ રહ્યો છે. જ્ઞાતિવાદનાં સમીકરણો એ હદે હાવી છે કે દેશમાં કોઈ પણ બાબત જ્ઞાતિવાદના આધારે જ નક્કી થાય છે.