ગુજરાત

ભાણવડ નજીક બરડા જંગલ સફારીને દિવાળી વેકેશન ફળ્યું: 700 પ્રવાસીઓએ મોજ માણી

Published

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રનો દિવસે દિવસે વિકાસ વધી રહ્યો છે. સાથે સાથે વધતા વિસ્તારમાં પણ ભાણવડ નજીક આવેલો બરડો ડુંગર પ્રવાસનના નવા ક્ષેત્ર તરીકે ઉભરી રહ્યો છે. અહીં બરડા જંગલ સફારીમાં તાજેતરના દિવાળીના વેકેશનના દિવસોમાં 700 જેટલા મુસાફરોએ એડવાન્સ બુકિંગ કરાવી અને રજાની મજા માણી હતી.

  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકો પ્રવાસન ક્ષેત્રે મહદ અંશે પછાત બની રહ્યો હતો  જિલ્લાના ખંભાળિયા, દ્વારકા અને કલ્યાણપુર એમ ત્રણ તાલુકાઓ વિશાળ સમુદ્ર વિગેરે મુદ્દે એકબીજા સાથે સંલગ્ન હોય, અહીં પ્રવાસન તેમજ ઉદ્યોગ ધંધા પણ ખૂબ જ વિકસ્યા છે. પરંતુ ભાણવડ વિસ્તાર કેટલાક મુદ્દે ખૂબ જ પાછળ રહ્યો હતો. આ પરિસ્થિતિમાં અહીંના ધારાસભ્ય અને પ્રવાસન કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોના ફળ સ્વરૂપે ભાણવડ નજીક આવેલા બરડા ડુંગર વિસ્તારમાં ગત ધન તેરસથી જંગલ સફારીનો પ્રારંભ થયો છે. જેને સફળતા મળી છે.

     આશરે એકાદ સપ્તાહના સમયગાળામાં 700થી વધુ મુસાફરોએ જંગલ સફારીનો આનંદ માણ્યો છે. જેમાં જામનગર, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ માટે ભાણવડ વન વિભાગના અધિકારી એસ.આર. ભમ્મર તથા ચૌહાણના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલી તમામ જરૂરી વ્યવસ્થાઓ પ્રવાસીઓમાં આવકારદાયક બની છે. હવે બે ત્રણ દિવસના એડવાન્સ બુકિંગ પણ થઈ રહ્યા છે. દરરોજ આઠ પરમીટોમાં ચાર જીપ્સી વાહન મારફતે અહીં આવતા પ્રવાસીઓ બરડા ડુંગરની મોજ માણે છે.

  બરડા ડુંગરમાં ક્યારેક સિંહ પરિવાર અને ક્યારેક દીપડા પણ પ્રવાસીઓને જોવા મળે છે. સાથે સાથે અહીં જુદી જુદી પ્રકારની વનસ્પતિ સૃષ્ટિ તેમજ આયુર્વેદિક દવાઓમાં વપરાતી વનસ્પતિ માટે પ્રખ્યાત બરડાનું જંગલ, ઝરણાં, ધોધ અને નદીના સાનિધ્યમાંથી પસાર થતા જંગલ સફારીના રૂટ પર તાજેતરના ચોમાસામાં 65 ઈંચ વરસાદના કારણે લીલીછમ વનરાજી તેમજ વન્યજીવ અભયારણ્યમાં પ્રવાસીઓ આનંદ માણે છે.

    અહીં મીની ગીર જેવી આ જંગલ સફારીની લોકો મજા લ્યે છે. આટલું જ નહીં, બરડા ડુંગર વિસ્તારમાં કુદરતી માહોલ વચ્ચે આ સુંદર ફરવાના સ્થળે 143 વર્ષ પછી કુદરતી રીતે વિચરતા સિંહો બરડાના જંગલમાં આવતા શરૂ થયેલી બરડા જંગલ સફારી ફેઝ - 1 ને હાલ આવકાર મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version