આજથી શરૂ થનારી બેંક હડતાળ છેલ્લી ઘડીએ રદ: બેંકો રાબેતા મુજબ ખુલશે

  બેંક ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. બેંકોમાં પાંચ દિવસના કામકાજની માંગને લઈને આજથી શરૂ થનારી ત્રણ દિવસની દેશવ્યાપી બેંક હડતાળ છેલ્લી ઘડીએ…

 

બેંક ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. બેંકોમાં પાંચ દિવસના કામકાજની માંગને લઈને આજથી શરૂ થનારી ત્રણ દિવસની દેશવ્યાપી બેંક હડતાળ છેલ્લી ઘડીએ મોકૂફ (ટાળી) રાખવામાં આવી છે. ઇન્ડિયન બેંક એસોસિએશન અને યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ વચ્ચે રવિવારે મોડી રાત્રે યોજાયેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં બેંક કર્મચારીઓની રજાઓની માંગ અંગે કમિટી બનાવવાની સહમતિ સધાઈ છે.

જોકે, તમામ શનિવારે રજા અને અઠવાડિયામાં પાંચ દિવસ કામકાજની માંગ અંગે કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી.સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રાહકો અને તમામ હિતધારકોને સ્વીકાર્ય હોય તેવો ઉકેલ લાવવા માટે IBA અને UFBUની ઉચ્ચ સ્તરીય કમિટી રચવામાં આવશે.

યુનાઇટેડ ફોરમ ઓફ હિમાચલ પ્રદેશના કન્વીનર નરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, “અમારો ઈરાદો ગ્રાહકોને મુશ્કેલીમાં મૂકવાનો નથી. અમે બેંકિંગ સેવાઓનું મહત્વ સમજીએ છીએ. પરંતુ છેલ્લા સાડા બે વર્ષથી કરાર થયા હોવા છતાં અમારી વ્યાજબી માંગણીઓ લટકેલી હોવાથી અમારે વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હતો. હવે બેઠકમાં હકારાત્મક ચર્ચા થતાં આંદોલન અને હડતાલ મોકૂફ રાખવામાં આવે છે.”