કાલે બેંક કર્મીઓની હડતાલ, 15000 કરોડના વ્યવહારો અટકશે

ગુજરાતમાં કાલે 75,000 બેન્ક કર્મીઓ પાંચ દિવસીય બેન્કિંગની માંગ સાથે હડતાળ પર ઉતરશે. રાજ્યભરની 5400 શાખાઓ બંધ રહેશે, જેથી ₹15,000 કરોડના વ્યવહારો અટકશે. બે વર્ષ…

ગુજરાતમાં કાલે 75,000 બેન્ક કર્મીઓ પાંચ દિવસીય બેન્કિંગની માંગ સાથે હડતાળ પર ઉતરશે. રાજ્યભરની 5400 શાખાઓ બંધ રહેશે, જેથી ₹15,000 કરોડના વ્યવહારો અટકશે. બે વર્ષ પહેલાં થયેલા MOUનો અમલ ન થતાં કર્મચારીઓ રોષે ભરાયા છે. જો ઉકેલ નહિ આવે તો 28-30 સપ્ટેમ્બર અને 26 ઓક્ટોબરથી અનિશ્ચિત હડતાળ કરાશે.

અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ બેન્કિંગ કામગીરી શરૂૂ રાખવાની માંગણી સાથે રાજ્યભરના બેન્ક કર્મચારીઓ દ્વારા આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા બે વર્ષ અગાઉ આ અંગે એમઓયુ કરવામાં આવ્યા હોવા છતાં તેનો અમલ ન થતાં કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

કાલે 11 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના આશરે 75,000 બેન્ક કર્મીઓ એક દિવસની હડતાળ પર ઉતરવાના છે, જેના કારણે રાજ્યભરની 5400 શાખાઓની કામગીરી અટકી જશે અને અંદાજે 15,000 કરોડ રૂૂપિયાના બેન્કિંગ વ્યવહારો ખોરવાઈ જવાની શક્યતા છે. આ રાષ્ટ્રવ્યાપી આંદોલન અંતર્ગત દેશભરમાં લગભગ 7 લાખ જેટલા બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાશે. જો આ હડતાળ છતાં કોઈ ઉકેલ નહીં આવે, તો કર્મચારીઓ દ્વારા 28થી 30 સપ્ટેમ્બર સુધી પુન: હડતાળ કરવામાં આવશે અને તેમ છતાં માંગણી નહીં સંતોષાય તો 26 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂૂ કરવામાં આવશે.

કર્મચારીઓની મુખ્ય માંગ એ છે કે બેન્કિંગ કામગીરી અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ (સોમવારથી શુક્રવાર) જ ચાલુ રાખવામાં આવે અને શનિવાર તથા રવિવારે કામ સંપૂર્ણપણે બંધ રહે. આ શરતના બદલામાં કર્મચારીઓએ દરરોજ ઓફિસના નિર્ધારિત સમય કરતાં 40 મિનિટ વધુ કામ કરવાની તૈયારી દર્શાવી હતી, જેને પગલે માર્ચ 2024માં આ માંગણી સ્વીકારી લેવામાં આવી હતી. પરંતુ બે વર્ષ વીતી જવા છતાં આ નિયમનો અમલ કરવામાં આવ્યો નથી. હાલમાં મહિનાના બીજા અને ચોથા શનિવારે જ રજા હોય છે અને બાકીના શનિવારે કામગીરી ચાલુ રહે છે. દિલ્હી ખાતે લેબર કમિશનર સાથે સતત બે દિવસ બેઠકો યોજવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા આખરે કર્મચારીઓએ હડતાળનું પગલું ભરવું પડ્યું છે.