Site icon Gujarat Mirror

બાંગ્લાદેશે 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો

નાહિદ રાણાએ 4 વિકેટ ઝડપી, મૌસાદેક હુસેનની 86 રનની ધમાકેદાર ઇનિં

ક્રિકેટના મેદાન પર અનિશ્ચિતતાઓનો ખેલ વારંવાર જોવા મળે છે, પરંતુ ગઇકાલે મીરપુરના મેદાન પર જે કંઈ પણ બન્યું તેની કલ્પના કદાચ કટ્ટર બાંગ્લાદેશી ચાહકોએ પણ નહીં કરી હોય. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે વનડે ક્રિકેટના ઇતિહાસમાં એક સોનેરી પ્રકરણ લખતાં, શક્તિશાળી ઓસ્ટ્રેલિયન ટીમને પ્રથમ વનડે મેચમાં કરારી હાર આપીને મોટો ઉલટફેર સર્જ્યો છે. આ કોઈ સામાન્ય જીત નથી; બાંગ્લાદેશે પૂરા 21 વર્ષના લાંબા સમય પછી ઓસ્ટ્રેલિયા સામે વનડે ફોર્મેટમાં વિજય મેળવ્યો છે.

નાહિદ રાણાની ધારદાર બોલિંગ અને મોસાદ્દેક હુસૈનની શાનદાર બેટિંગના દમ પર બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને ડીએલએસના આધારે 86 રનથી પરાજય આપીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0 ની ઐતિહાસિક લીડ મેળવી લીધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂૂઆત બહુ આશાસ્પદ રહી નહોતી. ઓપનર સૈફ હસન માત્ર 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો અને અનુભવી વિકેટકીપર બેટ્સમેન લિટન દાસ પણ માત્ર 7 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ જતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. જોકે, બીજા છેડેથી તન્ઝીદ હસને ઇનિંગને સંભાળી હતી અને 44 બોલમાં 54 રનની આક્રમક અડધી સદી ફટકારીને ઓસ્ટ્રેલિયન બોલરો પર દબાણ બનાવવાનું શરૂૂ કર્યું હતું.

ત્યારબાદ કેપ્ટન નજમુલ હુસૈન શાંતોએ જવાબદારીપૂર્વક બેટિંગ કરી હતી. શાંતોએ 86 બોલમાં 67 રનની અત્યંત મહત્વપૂર્ણ અને લડાયક ઇનિંગ રમીને ટીમના સ્કોરને મજબૂતી આપી હતી. મધ્યમ ક્રમમાં તૌહિદ હૃદયોયે (31 રન) થોડો સમય ક્રિઝ પર વિતાવ્યો હતો, પરંતુ આ ઇનિંગની અસલી જાન નીચલા મધ્યમ ક્રમના બેટ્સમેન મોસાદ્દેક હુસૈને ફૂંકી હતી. મોસાદ્દેકે ઓસ્ટ્રેલિયન આક્રમણ સામે વળતો હુમલો કરતા માત્ર 70 બોલમાં 86 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જેમાં 7 આકર્ષક ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગા સામેલ હતા.

મોસાદ્દેકની આ ઇનિંગના કારણે બાંગ્લાદેશની ટીમ નિર્ધારિત ઓવરોમાં 284 રનનો વિશાળ સ્કોર ઊભો કરવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસે શાનદાર બોલિંગ કરતા 10 ઓવરમાં 38 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે લિયામ સ્કોટે 57 રન આપીને 2 અને મેટ રેનશોએ પણ 2 વિકેટ લીધી હતી.

વરસાદ અને અન્ય અવરોધોના કારણે ઓસ્ટ્રેલિયાને ઉકજ પદ્ધતિ હેઠળ 42.2 ઓવરમાં 279 રનનો સુધારેલો ટાર્ગેટ મળ્યો હતો. બાંગ્લાદેશી બોલરો આજે કોઈ અલગ જ મૂડમાં મેદાન પર ઉતર્યા હતા. ઓસ્ટ્રેલિયાની શરૂૂઆત આપત્તિજનક રહી હતી. ઇનિંગની શરૂૂઆતમાં જ સ્ટાર ઓપનર મેથ્યુ શોર્ટ શૂન્ય રને આઉટ થઈ ગયો હતો, જ્યારે ટેસ્ટના દિગ્ગજ બેટ્સમેન માર્નસ લાબુશેન પણ માત્ર 1 રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. આ ત્રણેય સિવાય કોઈ પણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહીં. પરિણામે, ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 42.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 191 રન જ બનાવી શકી હતી અને ડીએલએસ નિયમ મુજબ બાંગ્લાદેશે 86 રનથી આ મેચ જીતી લીધી હતી.

Exit mobile version