બનાસકાંઠા – વાવ થરાદની શૈક્ષણિક સ્થિતિ ગગડી

બે જિલ્લામાં 37 હજારથી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડી : ડ્રોપ આઉટની ટકાવારી વધતા શિક્ષણ વિભાગ ચિંતાતુર : બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત વિદ્યાર્થીઓને મુખ્ય શિક્ષણ…

બે જિલ્લામાં 37 હજારથી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડી : ડ્રોપ આઉટની ટકાવારી વધતા શિક્ષણ વિભાગ ચિંતાતુર : બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત વિદ્યાર્થીઓને મુખ્ય શિક્ષણ પ્રવાહમાં ફરી જોડવા ખાસ ઝુંબેશ : નાણાકીય મુશ્કેલી, શિક્ષણ પ્રત્યે જાગૃતિ નો અભાવ અને વિદ્યાર્થિનીઓની સલામતી ડ્રોપઆઉટનું મુખ્ય કારણ

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભાર વગરના ભણતર પર વધુને વધુ મદાર અને ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે ત્યારે ગુજરાતના બનાસકાંઠા અને વાવ થરાદમાં શિક્ષણનું સ્તર દિવસ અને દિવસે ગગડી રહ્યું છે. હાલ જે વિગતો મળી રહી છે તેને ધ્યાને લેતા આ બંને પ્રદેશોમાંથી આશરે ધોરણ 1 થી 12 ના 37,415 વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે અને મુખ્ય પ્રવાહના શિક્ષણથી દૂર થઈ ચૂક્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ નાણાકીય મુશ્કેલીઓ, શિક્ષણ પ્રત્યે જાગૃતિનો અભ અને વિદ્યાર્થીનીઓની સલામતી અંગેની ચિંતાઓ ના પગલે હાલ બાળકો અભ્યાસથી દૂર થઈ રહ્યા હોય તેવું જાણવા મળ્યું છે. હાલ જે વિગતો મળી રહી છે તેને ધ્યાને લેવામાં આવે તો ધોરણ નવ થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટનો દર સૌથી વધુ છે. બંને જિલ્લાના 14 તાલુકામાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો જેમાં ધોરણ નવ થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં શિક્ષણ છોડવાનું પ્રમાણ ખૂબ વધુ નોંધાયું છે જેમાં દાંતા, અમીરગઢ, થરાદ, ધાનેરા, કાંકરેજ , પાલનપુર અને ડીસા જેવા વિસ્તારોમાં સમસ્યા અત્યંત ગંભીર જોવા મળી છે.

શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ આ વિસ્તારોમાં આદિવાસી અને ગામડાઓ હોવાના પગલે શૈક્ષણિક જાગૃતિનો અભાવ જોવા મળ્યો છે ત્યારે રાજ્ય સરકાર અને ખાસ તો શિક્ષણ વિભાગ દ્વારા બેક ટુ સ્કૂલ મિશન શરૂૂ કરવામાં આવ્યું છે અને આ તમામ જે ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ છે તેમને શિક્ષણના મુખ્ય પ્રવાહોમાં જોડવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. જે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષકો તથા સ્ટાફના સભ્યો હવે વિવિધ ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓના માતા-પિતાની સાથોસાથ સરપંચ અને સમાજના નેતાઓને વ્યક્તિગત મળી વિદ્યાર્થીઓ શાળામાં ફરીથી દાખલ થાય તે બાબતની સમજણ પણ કેળવી રહ્યા છે.

હાલ શિક્ષણ વિભાગ દ્વારા 32000થી વધુ ડ્રોપાઉટ વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી છે અને તેમના પરિવારો ને કાઉન્સિલ કરી ખાસ કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો છે. વધુમાં અધિકારીઓના જણાવ્યા અનુસાર જે બાકી રહેતા 5000 વિદ્યાર્થીઓ છે તેઓને પણ આ અભિયાનમાં આવરી લેવામાં આવશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુ પટેલે જણાવ્યું હતું કે આ મિશનનો હેતુ એ જ છે કે ધોરણ 1 થી 12 વચ્ચે જ શાળા છોડી દેનારા બાળકો છે તેને પાછા બોલાવવામાં આવે . બીજી તરફ અધિકારીઓએ સ્વીકારી હતું કે વાવ અને થરાદ ક્ષેત્રમાં હાલ શિક્ષકોની અછત જોવા મળી છે જેમાં હવે આ ક્ષેત્રમાં વધુ શિક્ષકો ફાળવવા માટે સરકારને પણ રજૂઆત કરી દેવામાં આવી છે ત્યારે હાલના તબક્કે જ્ઞાન સહાયકોની નિમણૂક દ્વારા આ મુદ્દો ઉકેલવામાં આવશે.

સ્થાનિક નેતાઓના જણાવ્યા અનુસાર બાળકો શાળા છોડી દેવા જે મજબૂર થયા છે તેની પાછળનું મુખ્ય કારણ ગરીબી છે. એટલું જ નહીં માતા પિતા ઘણી ઘણી વખત શિક્ષણ પરવડી શકતા નથી અને બાળકોને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને પરિણામ સ્વરૂૂપે તેઓએ અભ્યાસ બંધ કરવાની ફરજ પડે છે. તો ઘણા ખરા કિસ્સાઓમાં માતા-પિતા વિદ્યાર્થીનીઓને અન્ય ગામમાં અભ્યાસ અર્થે મોકલવામાં પણ અચકાતા હોય છે. ત્યારે અધિકારીઓના જણાવ્યા અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં શૈક્ષણિક સાતત્ય સુનિશ્ચિત થાય તે હેતુસર વિવિધ સમુદાયની ભાગીદારી ખૂબ મહત્વની છે. સરકારનો મુખ્ય હેતુ એ જ છે કે રાજ્યના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં ડ્રોપ આઉટનું જે સંકટ જોવા મળ્યું છે તે દૂર કરી શકાય.