શાળા આસપાસ 100 મીટર વિસ્તારમાં જંકફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂકો: શાળા સંચાલક મંડળ

અમદાવાદમાં બાળકોના આરોગ્યને લઈને શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં અસ્વાસ્થ્યપ્રદ ખોરાકના વધતા વપરાશ અને તેના કારણે…

અમદાવાદમાં બાળકોના આરોગ્યને લઈને શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં અસ્વાસ્થ્યપ્રદ ખોરાકના વધતા વપરાશ અને તેના કારણે ઊભા થતા આરોગ્ય સંબંધિત જોખમોને ધ્યાનમાં રાખીને શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રી તથા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં રાજ્યની તમામ શાળાઓના કેમ્પસ ઉપરાંત શાળાની આસપાસના 100 મીટરના વિસ્તારમાં જંકફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.

શાળા સંચાલક મંડળનું કહેવું છે કે વિદ્યાર્થીઓ દિવસનો મોટો સમય શાળા અને તેની આસપાસના વિસ્તારમાં પસાર કરતા હોય છે. ખાસ કરીને નાના બાળકો આસપાસની દુકાનો, લારીઓ અને અન્ય ખાદ્ય વેચાણ કેન્દ્રો પરથી ચિપ્સ, તળેલી વસ્તુઓ, વધુ મીઠું-ખાંડ-ચરબી ધરાવતા નાસ્તા તથા અન્ય જંકફૂડ ખરીદતા હોય છે. આવા ખોરાકના સતત સેવનથી બાળકોની ખાવાની ટેવ અને લાંબા ગાળાના આરોગ્ય પર અસર પડી શકે છે. તેથી શાળાના કેમ્પસ પૂરતું જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારમાં પણ નિયંત્રણ જરૂૂરી હોવાનો મત રજૂ કરવામાં આવ્યો છે.

શાળા સંચાલક મંડળે સરકાર સમક્ષ કરેલી મુખ્ય માંગમાં શાળાઓના કેમ્પસ અને તેની આસપાસના 100 મીટરના વિસ્તારમાં જંકફૂડના વેચાણ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. આ માંગનો હેતુ વિદ્યાર્થીઓને શાળાની આસપાસ સહેલાઈથી ઉપલબ્ધ થતા અસ્વાસ્થ્યપ્રદ ખાદ્ય પદાર્થોથી દૂર રાખવાનો છે. અહીં મહત્વની બાબત એ છે કે કેન્દ્ર સ્તરે પણ શાળાઓમાં બાળકો માટે સલામત અને સંતુલિત આહાર અંગે નિયમનાત્મક માળખું પહેલેથી અસ્તિત્વમાં છે. FSSAIની સત્તાવાર માહિતી અનુસાર શાળાના કેન્ટીન, મેસ અને હોસ્ટેલ કિચન ઉપરાંત શાળા કેમ્પસની 50 મીટરની અંદર હાઈ ફેટ, સોલ્ટ અને શુગર એટલે કે HFSS ખાદ્ય પદાર્થોના વેચાણ અને જાહેરાત અંગે નિયંત્રણની જોગવાઈ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

શાળા સંચાલક મંડળે શાળાની અંદર ચાલતી કેન્ટીનને લઈને પણ નિયમન કરવાની રજૂઆત કરી છે. પત્રમાં શાળાઓમાં ચાલતી કેન્ટીનનું સંબંધિત મહાનગરપાલિકા અથવા સ્થાનિક સત્તામંડળમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાની માંગ કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળે સરકારને એવી નિયમાવલી બનાવવાની પણ રજૂઆત કરી છે કે જેના કારણે શાળાઓમાં બાળકોને અસ્વાસ્થ્યપ્રદ અથવા હલકી ગુણવત્તાવાળું ભોજન આપવામાં ન આવે. માત્ર જંકફૂડ પર પ્રતિબંધ પૂરતો નથી, પરંતુ વિદ્યાર્થીઓને તેના વિકલ્પ તરીકે પૌષ્ટિક અને સંતુલિત ખોરાક ઉપલબ્ધ કરાવવો પણ જરૂૂરી છે.