ગુજરાત
સુરત, ઉધના, વાપી અને વલસાડના રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ પર મનાઈ
મહારાષ્ટ્રમાં બનેલી ભાગદોડની ઘટના બાદ પશ્ર્ચિમ રેલવેનો નિર્ણય
મધ્ય રેલવેએ છત્રપતિ શિવાજી ટર્મિનસ, દાદર, થાણે, નાગપુર, લોકમાન્ય તિલક ટર્મિનસ, થાણે, કલ્યાણ, પુણે સહિત ઘણા સ્ટેશનો પર રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર અસ્થાયી પ્રતિબંધ લાદ્યો છે. રેલવેએ પ્લેટફોર્મ પર ભીડનું સંચાલન કરવા અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર માટે આ નિર્ણય લીધો છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પરનો પ્રતિબંધ 8 નવેમ્બર સુધી રહેશે. જોકે વરિષ્ઠ નાગરિકો અને તબીબી જરૂૂરિયાતો ધરાવતા લોકોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
મધ્ય રેલવે બાદ પશ્ચિમ રેલવેએ પણ કેટલાક સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં મુંબઈ સેન્ટ્રલ, દાદર, બાંદ્રા ટર્મિનસ, બોરીવલી, વસઈ રોડ, વાપી, વલસાડ, ઉધના, સુરત સ્ટેશનનો સમાવેશ થાય છે.
રવિવારે સવારે મુંબઈના બાંદ્રા ટર્મિનસ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે નવ લોકો ઘાયલ થયા હતા. તહેવારોમાં ઘરે જવા માટે રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન બાંદ્રા રેલવે સ્ટેશન પર આવી કે તરત જ તેમાં ચઢવા માટે ધમાલ શરૂૂ થઈ ગઈ. જેના કારણે ભાગદોડ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી મધ્ય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો હતો.