રાષ્ટ્રીય
ગૌમાંસ બંધ કરવા ગાયોની કતલ પર પ્રતિબંધ જરૂરી
આસામની હિમંતય બિસ્વા સરમાની ભાજપ સરકારે બીફ એટલે કે ગૌમાંસ પર પ્રતિબંધ મૂકીને એક નવી ચર્ચા જગાવી છે. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે પછી આસામની રાજ્યની હોટલ, રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળોએ ગૌમાંસ પિરસવામાં આવશે નહીં. ચોક્કસ સમુદાયના ધાર્મિક કાર્યક્રમોમાં ગૌમાંસ પિરસવાની પ્રથા છે. તેના પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. આસામમાં ગૌમાંસનું સેવન ગેરકાયદેસર નથી પણ આસામ કેટલ પ્રિઝર્વેશન એક્ટ 2021 હેઠળ હિંદુઓ, જૈનો અને શીખોની બહુમતી છે અને કોઈપણ મંદિર અથવા વૈષ્ણવ મઠ છે તેની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં ગૌહત્યા અને ગૌમાંસના વેચાણ પર પ્રતિબંધ છે. સરમા સરકારે આ જ કાયદાનો વ્યાપ વધારીને હવે રાજ્યમાં રેસ્ટોરન્ટ્સ અને કોઈ પણ સમુદાયના મેળાવડા સહિતના જાહેર કાર્યક્રમોમાં પણ ગૌમાંસના જાહેર વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે.
સરમા સરકારનો નિર્ણય સારો છે. ગાય હિંદુઓ માટે શ્રધ્ધાનો વિષય છે તેથી ગૌહત્યાના કારણે હિંદુઓ દુ:ખી થાય છે. હિંદુઓને દુ:ખી કરવા માટે જ કેટલાક સમુદાયના લોકો ગૌવંશની હત્યા કરે છે અને ગૌમાંસ ખાય પણ છે. તેના કારણે કોમી તણાવ પણ પેદા થાય છે. સરમા સરકારે હિંદુઓની લાગણીને સમજીને ગૌમાંસના ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને સારું કર્યું પણ મહત્ત્વની બાબત તેનો અમલ છે. દેશનાં ઘણાં રાજ્યોમાં ગૌવંશની હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં ગાયોની કત્લેઆમ થાય જ છે. સરમા સરકાર હોય કે બીજી કોઈ પણ સરકાર હોય, તેમણે આ કત્લેઆમ બંધ કરાવવાને પ્રાધાન્ય આપવું જોઈએ. ગાયોની હત્યા બંધ થશે તો આપોઆપ ગૌમાંસ વેચાવાનું ને ખાવાનું પણ બંધ થઈ જશે. ગાય જ કપાશે નહીં તો ગૌમાંસ મળશે ક્યાંથી કે ખાઈ શકાય ?
આસામ કેટલ પ્રિઝર્વેશન એક્ટ, 2021માં ગૌવંશની હત્યા પર પ્રતિબંધ છે પણ સંપૂર્ણ આસામમાં પ્રતિબંધ નથી. સરમા સરકારે કરવું જ હોય તો ગૌવંશની હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધનો કાયદો બનાવવો જોઈએ. એ રસ્તો વધારે અસરકારક સાબિત થશે. ગાયને માતા માનનારા કે બીજા કોઈ આ ગાયોની કદી કાળજી લેતા નથી. ભારતમાં હજારો ધાર્મિક સંસ્થાઓ છે અને મંદિરો છે. તેમની કમાણી કરોડોમાં છે પણ આ ગાયો પાછળ થોડોક ખર્ચ કરીને તેમને સાચવવાની તેમની તૈયારી નથી હોતી. કેટલીક સેવાભાવી સંસ્થાઓ કે વ્યક્તિઓ પોતાની રીતે ગાયોની સેવા કરે છે પણ મંદિરો કે ધાર્મિક સંસ્થાઓ ચૂપ રહે છે.
ગાયની આ અવદશા સામે કોઈ કશું બોલતું નથી કે કશું કરતું નથી. ભાષણબાજી કરવાની હોય ત્યારે તેમને ગાય માતા છે એ વાત યાદ આવે છે પણ એ સિવાય એ વાત બધાં ભૂલી જાય છે. ગાયોની સેવા કરવી અઘરી નથી પણ હિંદુઓમાં ધર્મ ધંધો બની ગયો છે તેથી એ થતું નથી. મંદિરોના કારભારીઓ પ્રજા શ્રદ્ધાથી જે દાન-પુણ્ય કરે તેના પર તાગડધિન્ના કરે છે પણ હિંદુત્વ માટે કંઈ કરતા નથી.