સૌરાષ્ટ્રમાં સોની વેપારીઓને નિશાન બનાવતી ‘બદલાબાજ’ ગેંગ પકડાઇ

સોનાના નકલી દાગીના મૂકી અસલી દાગીના બદલાવી લઇ ચોરી કરતી ટોળકીએ છ સ્થળોએ હાથફેરો કર્યાનું ખુલ્યુ સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં સોનીની દુકાનોને નિશાન બનાવી, અસલી દાગીનાની…

સોનાના નકલી દાગીના મૂકી અસલી દાગીના બદલાવી લઇ ચોરી કરતી ટોળકીએ છ સ્થળોએ હાથફેરો કર્યાનું ખુલ્યુ

સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં સોનીની દુકાનોને નિશાન બનાવી, અસલી દાગીનાની જગ્યાએ નકલી ઘરેણાં પધરાવી છેતરપિંડી આચરતી એક રીઢા ગુનેગારોની બદલાબાજ ગેંગને ઝડપી પાડવામાં ભાયાવદર પોલીસને મોટી સફળતા મળી છે. ઉપલેટાના ઢાંક ગામે બનેલી ચોરીની ઘટનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી પોલીસે બે મહિલા અને એક સગીર સહિત કુલ પાંચ શખ્સોની ધરપકડ કરી રૂૂ. 5.01 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ટોળકીએ રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં અડધોડઝન સ્થળે હાથફેરો કર્યાનું ખુલ્યું છે.

ઘટનાની મળતી વિગત મુજબ ઉપલેટામાં રહેતા અને ઢાંક ગામના નવાપરા મેઈન રોડ પર ‘વારાહી જ્વેલર્સ’ નામે સોનીકામની દુકાન ચલાવતા તુષારભાઈ મનસુખભાઈ કુલરે આ અંગે ભાયાવદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તારીખ 28 એપ્રિલ, 2026ના રોજ સવારે આશરે 10:30 વાગ્યે જ્યારે તેઓ અને તેમના ભાઈ પ્રશાંતભાઈ દુકાને હાજર હતા, ત્યારે ત્રણ અજાણી મહિલાઓ દુકાને આવી હતી. આ મહિલાઓએ પોતાની ઓળખ ચરેલીયા ગામની રહેવાસી તરીકે આપી હતી અને સોનાની વીંટી તેમજ બુટ્ટી ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સોની વેપારીએ વિશ્વાસ રાખીને મહિલાઓને વીંટી અને બુટ્ટીના બોક્સ જોવા માટે આપ્યા હતા. તે દરમિયાન એક મહિલાએ વેપારીને મોબાઈલમાં ફોટા બતાવવામાં અને બીજીએ વજન કરાવવામાં રોકી રાખી નજર ચૂકવી હતી.

આ સમયગાળા દરમિયાન મહિલાઓએ બોક્સમાંથી અસલ સોનાની બે વીંટીઓ (કુલ વજન 4.950 ગ્રામ, કિંમત રૂૂ. 70,000) કાઢી લીધી હતી અને તેના બદલે ખોટી ધાતુની બે વીંટીઓ બોક્સમાં મૂકી દીધી હતી. ત્યારબાદ થોડીવારમાં આવીને વીંટી લઈ જઈશું તેમ કહી ત્રણેય મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ હતી. મહિલાઓના ગયા બાદ જ્યારે બોક્સ ચેક કરવામાં આવ્યું ત્યારે તેમાં નકલી વીંટીઓ હોવાનું માલૂમ પડ્યું હતું. વેપારીએ તાત્કાલિક આજુબાજુ તપાસ કરી અને દુકાનના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. ફૂટેજ લઈ જ્યારે તેઓ ચરેલીયા ગામે તપાસ કરવા ગયા ત્યારે જાણવા મળ્યું કે આવી કોઈ મહિલાઓ ત્યાં રહેતી નથી, એટલે કે મહિલાઓએ પોતાની ખોટી ઓળખ આપી હતી.

આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર અને ધોરાજી એએસપી સીમરન ભારદ્રાજે તપાસના આદેશો આપ્યા હતા. ભાયાવદર ઇન્ચાર્જ પીઆઈ એ.બી. જાડેજાની રાહબરી હેઠળ એએસઆઈ શક્તિસિંહ જાડેજા, કોન્સ્ટેબલ સત્યપાલસિંહ અને અજયભાઈ સોરઠીયાની ટીમે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ શંકાસ્પદ બોલેરો ગાડીને ટ્રેક કરી હતી. ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સમન્વયથી પોલીસે પોલીસે આ ગેંગના પાંચ સભ્યોને ઝડપી લીધા હતા. જેમાં પ્રવિણ કાન્તી જખવાડીયા (રહે. વડીયા, કુકાવાવ), કિશન જીતેન્દ્ર મેટાળીયા (રહે. વડીયા, કુકાવાવ), રૂૂપાબેન જયેશ ડાભી (રહે. જેતપુર), સવીતાબેન હકા ભોજવીયા (રહે. જેતપુર) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીરની ધરપક કરી હતી.

આરોપીઓ પાસેથી પોલીસે રૂૂ. 70 હજારની કિંમતની 2 સોનાની વીંટી, ગુનામાં વપરાયેલી બોલેરો ગાડી અને 4 મોબાઈલ ફોન મળી કુલ રૂૂ. 5,01,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન આ ટોળકીએ માત્ર ઢાંક જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સમાન રીતે ચોરી કર્યાની કબૂલાત આપી છે. જેમાં બે મહિના પહેલા પોરબંદર સોની બજારમાં વિરમગામની મોડલ ગામમાં સોનીની દુકાન તેમજ મીઠાપુર અને બાંટવામાં હાથફેરો કર્યો હતો.ઉપરાંત પ્રાચી અને તાલાલામાં બે અલગ-અલગ સ્થળોએ છેતરપિંડી કરી હોવાનું સ્વીકાર્યું છે.