બેક ટુ સ્કૂલ ઝૂંબેશ, શાળા છોડનાર બાળકોને શોધવા અભિયાન

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજયમાં શરૂૂ કરવામાં આવેલ બેક ટુ સ્કુલ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત રાજકોટ દ્રારા જુદી-જુદી સંસ્થાઓ અને લોક પ્રતિનિધિઓ સાથે…

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજયમાં શરૂૂ કરવામાં આવેલ બેક ટુ સ્કુલ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત રાજકોટ દ્રારા જુદી-જુદી સંસ્થાઓ અને લોક પ્રતિનિધિઓ સાથે સંકલનમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા પંચાયત તંત્ર દ્વારા જિલ્લા પંચાયતનાં નવ નિયુકત હોદ્દેદારો તથા સભ્યોને તેમની જિલ્લા પંચાયત બેઠક હેઠળનાં કાર્યક્ષેત્રનાં તાલુકા પંચાયત હોદ્દેદારો તથા સરપંચે અને અન્ય ગ્રામ્ય આગેવાનો સાથે મળી લોકભાગીદારીથી તેમનાં વિસ્તારનાં અભ્યાસ અધુરો છોડી દીધેલ બાળકોનાં વાલીઓ સાથે ઘનિષ્ઠ પરામર્શ કરી ફરી શાળાએ આવતા થાય તે માટે અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે.

આ અભિયાનમાં આગામી શાળા પ્રવેશોત્સવ દરમિયાન તેમનાં વિસ્તારમાં રહેતા ઔદ્યોગિક એકમનાં તથા ખેત મજુરોનાં બાળકો તથા અન્ય તમામ બાળકોનું 100% નામાંકન થાય અને કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત ગામમાં શાળાએ ન જનાર બાળકોની સંભવિત યાદી પણ નવનિયુક્ત જિલ્લા સદસ્યોને આપવામાં આવી છે.

વધુમાં જિલ્લા પંચાયત દ્રારા સમાજ સુરક્ષા એકમને સાથે રાખીને સમગ્ર જિલ્લામાં જયાંથી આ પ્રકારના બાળકો મળી આવી શકે તેમ છે તેવા સ્થળોને હોટ સ્પોટ જેવા કે રોડ-પુલોનાં કામો, બાંધકામ સાઇટો, ઇટોનાં ભઠઠા વિગેરે જગ્યાઓની ઓળખ કરી તેવા સ્થળોએ જે બાળકોના માતા-પિતા પોતાની રોજગારી અર્થે સતત સ્થળાંતર કરતા હોય તેવા બાળકોનાં વાલીઓ સાથે સંવાદ કરી તેવા બાળકોના સર્વે માટે ગ્રામ્ય કક્ષાએ અને નગરપાલિકા દીઠ ટીમ બનાવવામાં આવી છે. સમગ્ર શિક્ષા અભિયાનની સાથે પણ સર્વે કરવામાં આવનાર છે.

રાજકોટ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીનાં અધ્યક્ષ સ્થાને જિલ્લાની જુદી જુદી ઔદ્યોગિક વસાહતોના એસોશિએસનના પ્રતિનિધીઓ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમજુત કરવામાં આવ્યા અને તેમના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા કે છુટક મજુરી કરતા મજુરોના બાળકોના અભ્યાસ અને પુરક પોષણ માટે પણ ગંભીરતા દાખવવામાં આવે અને જો પાંચ વર્ષથી મોટા બાળકો શાળાએ ન જતા હોય તો તેમને શાળાએ જવા માટે તેમજ પાંચ વર્ષથી નાના બાળકોને આંગણવાડી ખાતે પુરક પોષણ અને પ્રિસ્કુલ માટે ઔદ્યોગિક વિસ્તાર તેમજ તેમની વસાહતના વિસ્તારમાં સર્વે કરવા આવનાર કર્મચારીઓને સહયોગ આપવા તેમજ તેવા બાળકોની નોંધણી કરાવવા અને લાભ અપાવવા માટે આગ્રહ ભરી વિનંતી કરવામાં આવી છે.

સમગ્ર જિલ્લામાં બેક ટુ સ્કુલ અંતર્ગત શાળા શિક્ષણ તથા આંગણવાડીમાં પુરકપોષણ માટે એક વિશેષ પ્રકારની લોકભાગીદારી દ્રારા મુહિમ હાથ ધરવામાં આવી છે.
જેમાં લોક પ્રતિનિધિઓ અને સરકારના વિવિધ વિભાગોના સામુહિક પ્રયત્નો દ્વારા એક પણ બાળક વંચીત ન રહી જાય તે પ્રકારના ધનિષ્ઠ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે
જે બાળકોને શાળા પ્રવેશોત્સવમાં શાળા અથવા આંગણવાડીમાં પ્રવેશ મેળવે તેમ સુનિશ્ચિત કરવામાં આવનાર છે.