Site icon Gujarat Mirror

AVPTI રાજ્ય સ્તરની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સતત બીજીવાર ચેમ્પિયન

રાજ્ય સ્તરની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સતત બીજીવાર ચેમ્પિયન

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ડિપ્લોમા કોલેજો માટે આયોજિત ગુજરાત સ્ટેટ લેવલ ઇન્ટરઝોન સીઝન ક્રિકેટ ટૂર્નામેન્ટ “GTU SPIRIT 2026″” માં સૌરાષ્ટ્ર ઝોનની સતત 3 વખતની ચેમ્પિયન એ.વી.પી.ટી.આઈ., રાજકોટે શાનદાર પ્રદર્શન કરીને સતત બીજી વખત સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

19મી માર્ચના રોજ વડોદરાની RMS કોલેજ ખાતે A.V.P.T.I., રાજકોટ અને G.P. દમણ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. ફાઇનલમાં રાજકોટના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે સંપૂર્ણપણે સાચો સાબિત થયો.

કેપ્ટન દેવાંગ નારણકા (4 વિકેટ), જૈવલ દવે (3 વિકેટ) અને ઓલરાઉન્ડર ધ્રુવ મકવાણા (2 વિકેટ)ની કાતિલ બોલિંગ સામે G.P. દમણની ટીમ માત્ર 14 ઓવરમાં 54 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલા ઓપનર્સ દેવાંગ નારણકા (28 રન) અને ધ્રુવ મકવાણા (20 રન) એ આક્રમક બેટિંગ કરતા માત્ર એક પણ વિકેટ ગુમાવ્યા વિના સરળતાથી વિજય મેળવીને સતત બીજી વાર ટ્રોફી ઊંચકી ગુજરાત ચેમ્પિયન બની હતી.

આ સફળતાના અસલી હીરો હેડ કોચ હરેશભાઈ ભદ્રેશા અને કોચ ડો. એચ. એચ. ભટ્ટ હતા, જેઓ શરૂૂઆતથી અંત સુધી ટીમની પડખે ઊભા રહ્યા. ચેમ્પિયન ટીમ જ્યારે ટ્રોફી સાથે રાજકોટ પરત ફરી ત્યારે ઓવરઓલ એનાલિસ્ટ ડો. જે. બી. વાળા અને ટીમ મેનેજર ડો. આર. એસ. તન્ના દ્વારા એક ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

A.V.P.T.I. ના પ્રિન્સિપાલ પ્રો. જી. વી. પરમાર, સરકારી પોલિટેકનિક રાજકોટના પ્રિન્સિપાલ ડો. એ. એસ. પંડ્યા અને GTU ના ડીન ડો. પી. પી. કોટકે તમામ ખેલાડીઓનું સન્માન કર્યું હતું. આ ગૌરવશાળી ક્ષણે પ્રો. એસ. ઝેડ. શ્યારા, પ્રો. એન. એમ. મહેતા, પ્રો. મનીષા ગોસ્વામી મેડમ, પ્રો. આરતી રાઠોડ મેડમ તેમજ કોલેજના તમામ વિભાગના વડાઓએ ઉપસ્થિત રહીને વિજેતા ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

Exit mobile version