અમદાવાદ મનપાના 11 પ્લોટની હરાજી, 1553 કરોડની બેઝ વેલ્યુ

અમદાવાદમાં જમીનના વધતા ભાવ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ પોતાની માલિકીના વધુ 11 રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ ઈ-હરાજી માટે મૂક્યા છે. આ તમામ પ્લોટની સંયુક્ત…

અમદાવાદમાં જમીનના વધતા ભાવ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ પોતાની માલિકીના વધુ 11 રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ ઈ-હરાજી માટે મૂક્યા છે. આ તમામ પ્લોટની સંયુક્ત બેઝ વેલ્યુ આશરે ₹1,553.39 કરોડ છે અને કુલ વિસ્તાર 82,810 ચોરસ મીટર છે. મોટેરા, ચાંદખેડા, નવા વાડજ, થલતેજ, બોડકદેવ, વટવા અને સોલા-થલતેજ જેવા વિસ્તારોમાં આવેલા આ પ્લોટમાંથી 6 કોમર્શિયલ અને 5 રહેણાંક ઉપયોગ માટેના છે.

આ હરાજીમાં સોલા-થલતેજના બે મોટા કોમર્શિયલ પ્લોટ ખાસ ધ્યાન ખેંચે છે. 17,512 ચોરસ મીટરના એક પ્લોટની બેઝ વેલ્યુ ₹306.46 કરોડ છે, જ્યારે 15,351 ચોરસ મીટરના બીજા પ્લોટની બેઝ વેલ્યુ ₹345.40 કરોડ નક્કી કરવામાં આવી છે. આ બંને પ્લોટની સંયુક્ત બેઝ વેલ્યુ જ ₹651 કરોડથી વધુ થાય છે.11 પ્લોટમાં સૌથી વધુ પ્રતિ ચોરસ મીટર બેઝ ભાવ બોડકદેવના રહેણાંક પ્લોટ માટે નક્કી કરાયો છે. 1,821 ચોરસ મીટરના આ પ્લોટનો દર ₹3.10 લાખ પ્રતિ ચોરસ મીટર છે અને તેની કુલ બેઝ વેલ્યુ ₹56.45 કરોડ છે. આ પ્લોટ ઝોડિયાક માર્કિસ અને રાજપથ ક્લબ નજીક આવેલો છે.

AMC દ્વારા આ 11 પ્લોટની ઈ-હરાજી પ્રક્રિયા 24 સપ્ટેમ્બરથી શરૂૂ કરવામાં આવી છે. પાંચ પ્લોટની હરાજી 27 ઓક્ટોબરે અને બાકીના છ પ્લોટની હરાજી 28 ઓક્ટોબરે યોજાવાની છે. બિડિંગ AMCના ઈ-ઓક્શન પોર્ટલ મારફતે કરવામાં આવશે.આ ઉપરાંત અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)એ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં 16 પ્લોટની ઈ-હરાજી જાહેર કરી છે, જેની સંયુક્ત બેઝ વેલ્યુ ₹1,415 કરોડથી વધુ છે.

એટલે અમદાવાદમાં સ્થાનિક સરકારી સંસ્થાઓ દ્વારા જમીન હરાજીની આ પ્રક્રિયામાં મોટી રકમનું નાણાકીય મૂલ્ય જોડાયેલું છે. AMCની આ હરાજીનો હેતુ પોતાની માલિકીના પ્લોટને બજાર આધારિત બિડિંગ પ્રક્રિયા મારફતે વેચવાનો છે. બેઝ વેલ્યુ નક્કી કરવામાં આવ્યા બાદ હરાજીમાં મળતી અંતિમ કિંમત બિડિંગ પર આધારિત રહેશે. ખાસ કરીને સોલા-થલતેજ, થલતેજ અને બોડકદેવ જેવા વિસ્તારોના ઊંચા જમીન ભાવને કારણે આ હરાજી પર બિલ્ડરો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રની નજર રહેશે.