અમેરિકાના 90 સ્થળે હુમલા, ઇરાનનો 3 ખાડી દેશો ઉપર મિસાઇલમારો

ભારતના સહયોગથી બનેલા ચાબહાર બંદર પર પ્રથમવાર હુમલો: ખામેનીની અંતિમયાત્રામાં વિક્ષેપ પાડવા મશહદના રસ્તે 3 બ્રિજ તોડી પાડયાનો આક્ષેપ: 3નાં મોત: ઇરાને કુવૈત, બેહરીન અને…

ભારતના સહયોગથી બનેલા ચાબહાર બંદર પર પ્રથમવાર હુમલો: ખામેનીની અંતિમયાત્રામાં વિક્ષેપ પાડવા મશહદના રસ્તે 3 બ્રિજ તોડી પાડયાનો આક્ષેપ: 3નાં મોત: ઇરાને કુવૈત, બેહરીન અને કતારમાં અમેરિકી થાણાઓને નિશાન બનાવ્યા: હોર્મુઝમાં જહાજોની અવરજવર ઠપ

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એકવાર ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ વ્યાપારી જહાજો પર હુમલા બાદ, અમેરિકાએ સતત બીજી રાત્રે ઈરાન પર મોટા પાયે હવાઈ હુમલા શરૂૂ કર્યા છે. ઇરાને હુમલાઓમાં 3નાં મોતની પુષ્ટિ કરી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) જણાવે છે કે આ હુમલાઓનો ઉદ્દેશ્ય હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય શિપિંગની સલામતી સુનિશ્ચિત કરવાનો અને ઈરાનની લશ્કરી ક્ષમતાઓને નબળી પાડવાનો છે. દરમિયાન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે આ કાર્યવાહી જહાજો પરના હુમલાઓનો “બદલો” છે. અમેરિકી હુમલા પછી હોર્મુઝ ખાડીમાં જહાજોની અવરજવર બંધ પડી છે.

અન્ય એક અહેવાલ મુજબ અમેરિકાએ પ્રથમ વાર ચાબહાર બંદર પર પણ હુમલો કરતા યુધ્ધની આગ હિન્દ મહાસાગર સુધી પહોંચી છે. બીજી તરફ, ઈરાને યુએસના હુમલાઓને આક્રમણનું કૃત્ય ગણાવ્યું છે અને કડક જવાબ આપવાની ચેતવણી આપી છે. બહેરીન અને કુવૈતમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા છે, જ્યારે હોર્મુઝ સ્ટ્રેટની નજીક આવેલા બંદર અબ્બાસ, બુશેહર, ચાબહાર, જસ્ક અને અબુ મુસા ટાપુ સહિત અનેક શહેરો અને સ્થળોએ વિસ્ફોટોના અહેવાલો સામે આવ્યા છે.

આ દરમિયાન, ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કાર તેમના વતન મશહદમાં કરવામાં આવી રહ્યા છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે અમેરિકાએ તાજેતરના હુમલાઓમાં પૂર્વી ઈરાનમાં મશહદ તરફ જતા બે મુખ્ય
પુલોને નિશાન બનાવીને નાશ કર્યો છે. IRGC એ આરોપ લગાવ્યો છે કે આ હુમલો સ્વર્ગસ્થ સુપ્રીમ લીડરના અંતિમ વિદાય સમારોહને વિક્ષેપિત કરવાનો પ્રયાસ છે.

IRGC એ જણાવ્યું હતું કે, “યુએસ દ્વારા આ આક્રમક કાર્યવાહી જવાબ વગર છોડવામાં આવશે નહીં.” IRGC એ દાવો કર્યો હતો કે બદલાના પ્રથમ તબક્કામાં, તેની નૌકાદળ અને એરોસ્પેસ દળોએ કુવૈત અને બહેરીનમાં સ્થિત યુએસ લશ્કરી ઠેકાણાઓ પર સંયુક્ત મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો.

IRGC એ દાવો કર્યો હતો કે કુવૈતમાં આરિફજાન અને અલી અલ સાલેમ ખાતેના યુએસ બેઝ અને બહેરીનમાં જુફેર અને શેખ ઇસાને નિશાન બનાવવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ ઇરાને કતરા પર પણ હુમલો કર્યો હતો.

ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે અમેરિકાને કડક ચેતવણી આપી છે. હોર્મુઝ સ્ટ્રેટનો ઉલ્લેખ કરતા, તેમણે જાહેર કર્યું કે ત્યાં જહાજોની અવરજવર ફક્ત “ઈરાનની સિસ્ટમ હેઠળ થશે, યુએસ ધમકીઓને કારણે નહીં.”

પોતાની હત્યાનું કાવતરું ઘડવાનો ટ્રમ્પનો ઇરાન પર આક્ષેપ, ઓઇલ મફતના ભાવે મળવાની ખાતરી
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે જણાવ્યું હતું કે તેઓ (ઇરાન) હુમલો કરશે તો અમે દસ ગણો બદલો લઇશું. જે કંઇ થશે તે ઝડપથી થશે. અમે દરેક બાબતો સુરક્ષિત બનાવીશું. તેલ પણ ખુબ જ મફતના ભાવે મળશે. ખૂબજ સસ્તા ભાવે. ગઇકાલે તુર્કીમાં નાટોની બેઠક વખતે તેમણે પત્રકારોને પોતે દુનિયાના ટાર્ગેટ નંબર 1 હોવાનું જણાવી ઇરાન પોતાની હત્યાનું કાવતરૂં ઘડી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.