યુવતીને બચાવવા વચ્ચે પડેલા ત્રણ ભાઈ-બહેનને માર પડ્યો: મહિલા સહિત 6 સામે ફરિયાદ
ગોંડલમાં મહિલાની છેડતી કર્યાની ફરિયાદનો ખાર રાખી ત્રણ શખ્સોએ પોલીસ ભરતીની તૈયારી કરતી મહિલાની સગી બે ભત્રીજી સહિત ચાર ભાઈ બહેન ઉપર પાડોશી પરિવારે પાઈપ અને પાવડા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલી સગી બે બહેનોને સારવાર માટે ખસેડવામાં આવી હતી. હુમલાખોર ત્રણ મહિલા સહિત છ શખ્સો વિરૂધ્ધ પોલીસમાં યુવતીની હત્યાનો પ્રયાસ કર્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતી અંજલીબેન મનોજભાઈ સોંદરવા (ઉ.20) અને પ્રિતીબેન મનોજભાઈ સોંદરવા (ઉ.22) સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતી ત્યારે નવીન સોલંકી, બાબુ સોલંકી, કેશુબેન, કિર્તીબેન અને પાયલબેન સહિતના શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો.
હુમલામાં ઘવાયેલી બન્ને યુવતીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતાં ગોંડલ પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં હુમલામાં ઘવાયેલી પ્રિતીબેન બી.એ.નો અભ્યાસ પૂર્ણ કરી હાલ પીએસઆઈની તૈયારી કરે છે. જ્યારે અંજલીબેન કોટડાસાંગાણીમાં બી.એ.ના અભ્યાસ સાથે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે. બન્ને બહેનોના મોટા બાની હુમલાખોર નવીન સોલંકીના ભ્ઈ મહેન્દ્ર સોલંકીએ છેડતી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદનો ખાર રાખી પ્રિતીબેનની બહેન વંદનાબેનને પાડોશમાં રહેતાં કેશુબેન, જલ્પાબેન અને કિર્તીબેને બોલાવી બિભત્સ ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યુ હતું.
જે દરમિયાન પરિવારના સભ્યો વંદનાબેનને બચાવવા વચ્ચે પડયા હતાં. ત્યારે નવીન ઉર્ફે નરેન્દ્ર બાબુભાઈ અને કિર્તીબેને પાઈપ અને પાવડા વડે હુમલો કર્યો હતો. અને નવીન સોલંકીએ આજતો તમને બધાને મારી નાખવા છે તેમ કહી પ્રિતીબેનને જાનથી મારી નાખવાના ઈરાદે માથામાં લોખંડનો પાઈપ જીંકી દીધો હતો. જે હુમલામાં 14 વર્ષિય સગીર પાર્થ અને તે ત્રણ બહેનોને ઈજા પહોંચી હતી. આ અંગે ગોંડલ સિટી પોલીસે ત્રણ મહિલા સહિત છ શખ્સો વિરૂધ્ધ બી. એન. એસ. એસ.ની કલમ 109 (1), 118 (1), 115 (2), 189 (4), 190, 191 (2), 191 (3), 352 અને જી.પી.એકટ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
