Site icon Gujarat Mirror

ધ્રોલમાં કોર્પોરેટરના પતિ અને તેમના ભાઇ પર હુમલો, બે શખ્સો સામે નોંધાયો ગુનો

ધ્રોલમાં વેપારીએ ઉધારીના રૂૂપિયા માંગતા બે શખ્સોએ વેપારી અને તેના ભાઈ પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. અગાઉ ઉધારીમાં સિગરેટ લઈને રૂૂપિયા ન આપનાર શખ્સ ફરી ઉધારીમાં સિગરેટ લેવા આવ્યો હતો. વેપારીએ અગાઉના બાકી રૂૂપિયા માંગતા મામલો બિચક્યો હતો. ત્યારબાદ બંને શખ્સો ધોકો લઈને દુકાને ધસી આવ્યા હતા. બન્નેએ દુકાનમાં તોડફોડ કરી ગાળો આપી અને વેપારીને હાથ-પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી . આ બનાવ અંગે વિજયભાઈ ગડારાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ધ્રોલ શહેરમાં ઉધારીના પૈસા માંગવા મુદ્દે વેપારી પર હુમલો થયો હતો. ખારવા રોડ પર આવેલ પટેલ ડેરી તથા પ્રોવિઝન સ્ટોર્સના સંચાલક વિજયભાઈ થોભણભાઈ ગડારા (ઉ.વ. 35) દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું કે અગાઉ ઉધારીમાં આપેલ સિગરેટના પૈસા માંગતા બે શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને દુકાનમાં ઘૂસી તોડફોડ સાથે ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. તા. 16/02/2025ના રોજ સાંજના મનીશ ઉર્ફે કબુતર પરમાર દુકાને આવી બે સિગરેટ લઈ રૂૂપિયા બાદમાં આપવાની વાત કરી જતા રહ્યો હતો.

ત્યારબાદ સાંજે ફરી ઉધારીમાં સિગારેટ માંગતા વેપારીએ અગાઉના બાકી રૂૂપિયા ચૂકવવાનું કહ્યું હતું. ત્યાર બાદ દુકાનેથી ચાલ્યા ગયા હતા. બાદ સાંજના સમયે મનીશ ઉર્ફે કબુતર અને માંડાભાઈ જુંજા ભરવાડ બન્ને લાકડાનો ધોકો લઈને દુકાને પરત આવ્યા હતા. દુકાનમાં ટેબલ પર ધોકો પછાડી ગાળો બોલી તોડફોડ કરી હતી અને વેપારી વિજયભાઈ તેમજ તેમના ભાઈ મહેશભાઈ ગડારા (ધ્રોલ વોર્ડ નં-6ના કોર્પોરેટરના પતિ)ને હાથ-પગ ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લાકડાનો ધોકો ફેંકવામાં આવ્યો હતો, જે દુકાનના સામાનને લાગ્યો હતો, સદનસીબે કોઈને ઇજા પહોંચી નહોતી. બનાવ સમયે આસપાસના લોકો ભેગા થતા બન્ને આરોપીઓ કાળા રંગની એક્ટિવા પર સવાર થઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાથી વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ મામલે વિજયભાઈ ગડારાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં મનીશ ઉર્ફે કબુતર પરમાર અને માંડાભાઈ જુંજા સામે ફરિયાદ નોંધાવી છે.

Exit mobile version