Site icon Gujarat Mirror

જૂનાગઢના બિલ્ડર ચેતન ફળદુ સામે વિવાદાસ્પદ ઓડિયો બાદ એટ્રોસીટી દાખલ

સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ વધુ તપાસ DYSP કક્ષાના અધિકારીને સોંપાઇ

જૂનાગઢના જાણીતા બિલ્ડર ચેતન ફળદુ ફરી એકવાર કાયદાકીય મુસીબતમાં ફસાયા છે. સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ, ચોક્કસ જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો વાપરવા બદલ તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી વિગતો મુજબ, જૂનાગઢના બિલખા રોડ વિસ્તારમાં રહેતા એક યુવકે બિલ્ડર ચેતન ફળદુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ, ચેતન ફળદુની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી, જેમાં તેઓ જાતિ વિષયક અપશબ્દો બોલતા સંભળાય છે. આ ઓડિયો ક્લિપ દ્વારા સામાજિક દુશ્મનાવટ ફેલાવવાનો અને ચોક્કસ સમાજનું અપમાન કરવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ ગંભીર મામલાને ધ્યાને રાખીને જૂનાગઢ પોલીસે એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ કેસની સંવેદનશીલતાને જોતા સમગ્ર તપાસ SC-ST સેલને સોંપવામાં આવી છે. કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક (DySP) કક્ષાના અધિકારી દ્વારા હાથ ધરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી જૂનાગઢના સોશિયલ મીડિયા ગ્રુપોમાં આ ઓડિયો ક્લિપ ખૂબ વાયરલ થઈ હતી, જેને પગલે સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી. આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચતા હવે બિલ્ડરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. પોલીસ હવે આ ઓડિયો ક્લિપની સત્યતા ચકાસવા માટે તેને ફોરેન્સિક લેબમાં મોકલવાની તજવીજ પણ હાથ ધરી શકે છે.

Exit mobile version