હોર્મુઝમાંથી અમેરિકા માટેના દસ ઓઇલ ટેન્કરો પસાર કરવા ઇરાને આપેલી મંજૂરીથી મોગેમ્બો ખુશ
હવે સતત યુધ્ધને થાળે પાડવા માટે સક્રિય અમેરિકી પ્રમુખ અને ઇરાન સામેના યુધ્ધના ‘પ્રારંભવીર’ ડોનાલ્ડ ટ્રમ્પ આ સંગ્રામને શાંતિ તરફ ખેંચી જવા માટે એક પછી એક સ્વપક્ષીય જાહેરાતો કરતા રહે છે જેમાં તેમને પહેલા પાંચ દિવસનું યુધ્ધ વિરામ જાહેર કર્યા પછી આજે અચાનક વધુ દસ દિવસ માટે ઇરાનના ઉર્જા મથકો પર હુમલો ન કરવાની જાહેરાત કરતાં અખાતી સંકટના જેના પર છાંટા ઉડયા છે તેવા દેશોએ કંઇક રાહતનો શ્ર્વાસ લીધો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં પ્રથમ વખત નરમાશ જોવા મળી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ઈરાનના ઊર્જા મથકો પર થનારા હુમલાઓને આગામી 10 દિવસ માટે સ્થગિત કરી રહ્યા છે. ટ્રમ્પના મતે, ઈરાન સરકારના અનુરોધ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીતને આગળ વધારવાની તક મળી શકે. જો કે આજ સુધી અમેરિકાએ ઇરાનના ઉર્જા મથકો પર અનેક હુમલાઓ કર્યા છે. દસ દિવસ હુમલાઓ સ્થગિત રાખવાની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે અમારા દસ ઓઇલ ટેન્કરોને હોર્મુઝમાંથી પસાર થવાના ઇરાનના નિર્ણયથી અમે દસ દિવસ યુધ્ધની સ્થગિતતા જાહેર કરી છે.
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “ઈરાની સરકારની વિનંતી પર હું ઉર્જા મથકોને તબાહ કરવાની કાર્યવાહીને 10 દિવસ માટે રોકી રહ્યો છું. આ વિરામ સોમવાર, 6 એપ્રિલ 2026ના રોજ રાત્રે 8 વાગ્યા સુધી જારી રહેશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે મીડિયાના અહેવાલોથી વિપરીત, બંને દેશો વચ્ચેની વાતચીત ખૂબ જ હકારાત્મક દિશામાં આગળ વધી રહી છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા અને ઈઝરાયેલ સતત ઈરાનના તેલ અને ઉર્જા કેન્દ્રો પર ભીષણ હુમલા કરી રહ્યા હતા, જેનો હેતુ ઈરાનની આર્થિક કમર તોડવાનો હતો. જોકે, આ દરમિયાન ઈરાને પણ વળતો પ્રહાર કરતા મધ્ય પૂર્વમાં સ્થિતિ વણસી હતી. હવે 10 દિવસની આ રાહતને નિષ્ણાતો બેકચેનલ ડિપ્લોમેસી માટેનો મોટો રસ્તો માની રહ્યા છે.
આ અગાઉ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી 10 તેલ ટેન્કરો પસાર કરવાની મંજૂરી આપીને સકારાત્મક સંકેત આપ્યો છે. શરૂૂઆતમાં ઈરાન માત્ર 8 ટેન્કરો માટે તૈયાર હતું, પરંતુ બાદમાં આ સંખ્યા વધારીને 10 કરવામાં આવી હતી, જેમાં કેટલાક પાકિસ્તાની ધ્વજ ધરાવતા ટેન્કરો પણ સામેલ હતા. આ ઘટનાક્રમ બાદ ટ્રમ્પે હુમલા રોકવાનો નિર્ણય લીધો છે.
અમે અમેરિકાને કોઇ વિનંતી કરી નથી, ઇરાનનો ઘટસ્ફોટ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા જંગમાં બંને દેશો વચ્ચે નિવેદનબાજી તેજ બની છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ પર 6 એપ્રિલ સુધી હુમલો ન કરવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે, ઈરાને પોતે હુમલા ટાળવા માટે સમય માંગ્યો છે, પરંતુ હવે ઈરાને ટ્રમ્પના દાવાની પોલ ખોલી દીધી છે. શાંતિ વાર્તામાં સામેલ સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, ઈરાને અમેરિકા પાસે કોઈ પણ પ્રકારની મહોલત માંગી નથી. આ નિવેદન સીધી રીતે ટ્રમ્પના દાવાને પડકાર આપે છે. ઈરાનના નિવેદનનું માનીએ તો, ટ્રમ્પ પોતે બીજી વાર હુમલો કરવાથી પાછળ હટ્યા છે અને પોતાની ઈજ્જત બચાવવા માટે એવું દેખાડી રહ્યા છે જાણે ઈરાન જ તેમની પાસે વિનંતીઓ કરી રહ્યું હોય.

