ગુજરાત
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાશે
ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા. ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ. ૧,૩૫૬.૬૦ પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.
કોઇપણ અફવાઓ કે વાતોમાં આવ્યા વગર ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા રાજ્યભરના ખેડૂતોને અનુરોધ કરતા મંત્રી પટેલે કહ્યું હતું કે, ભારત સરકારની તાજેતરની જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ ૪,૦૦૦ કિ.ગ્રા એટલે કે, ૨૦૦ મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. હજુ પણ નોંધણી કરાવવાની બાકી હોય તેવા તેવા ખેડૂતો આગામી તા. ૧૦ નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.