ગુજરાત
ઈજનેરી છાત્રને ડિજિટલ એરેસ્ટ કરી 96 હજાર રૂપિયા પડાવ્યા
રાજકોટમાં નિવૃત બેંક કર્મચારીને 15 દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરીને 56 લાખ પડાવ્યા હોવાના બનાવ બાદ આવો બીજો એક બનાવ બન્યો છે. જેમાં રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ઈજનેર છાત્રની ડિઝિટલ એરેસ્ટ કરી તેને બાનમાં લઈ 96 હજાર રૂપિયા પડાવવામાં આવ્યા હતા. એક તરફ આ મામલે હજુ પોલીસ એક બનાવની તપાસ કરી રહી છે ત્યારે આ બીજોબનાવ બનતા આ ડીઝીટલ એરેસ્ટમાં પણ એક જ ગેંગની સંંડોવણી હોવાની શંકાએ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા નિવૃત બેંક મેનેજરને ડિઝિટલ એરેસ્ટ કરી 15 દિવસ સુધી તેને બાનમાં લઈ તેમની પાસેથી રૂપિયા 56 લાખ પડાવ્યાના સાયબર ક્રાઈમની ટીમે જૂનાગઢ, અમદાવાદ અને પાટણના દરોડા પાડી સાત શખ્સોની ધરપકડ કરી હતી અને જે પૈકીના જૂનાગઢના હિરેન સુબા અને પાટણના કમ્બોઈગામના વિપુલ દેસાઈ હાલ રિમાન્ડ ઉપર છે આ બનાવની તપાસ હજુ ચાલુ છે ત્યારે જ વધુ એક સાયબર ફ્રોડનો કેસ સામે આવ્યો છે. જેમાં શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સુનિલ પટેલ (નામ બદલ્યુ છે) નામના એક 33 વર્ષીય વિદ્યાર્થીને આ સાઈબર માફિયાઓએ પોતાની ઝાળમાં ફસાવ્યો હતો. રાજકોટની એક પ્રતિશ્ર્ચિત ઈજનેરી કોલેજમાં અભ્યાસ કરતા એન્જિનિયરીંગના છાત્ર સુનિલ પટેલને ફોન કરી તેના એકાઉન્ટમાં છેતરપીંડીના નાણા ટ્રાન્સફર થયા હોવાનું તેમજ મની લોન્ડ્રીંગનો કેસ કરવાની ધમકી આપીને સુનિલને ફોન કરી આ સાઈબર માફિયાઓએ તેને અલગ અલગ એકાઉન્ટમાં રૂા. 96 હજાર ટ્રાન્સફર કરવાનું કહેતા ડરી ગયેલા ઈજનેરી છાત્ર સુનિલે આ રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.
બાદમાં આ અંગે તપાસ કરતા પોતાની સાથે છેતરપીંડી થયાનું ખુલતા પોલીસ અધિકારીનો સંપર્ક કરી આ અંગે સાઈબરક્રાઈમ પોલીસ મથકમાં ઈજનેરી છાત્રએ ફરિયાદ કરી છે. આ મામલે ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિીંહ ગોહિલ, એસીપી ભરત બી. બસિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ સાઈબર ક્રાઈમના પીઆઈ એમ.એ. ઝણકાટ અને પીઆઈ બી.બી. જાડેજા અને સર્વેલન્સ ટીમે વધુ તપાસ શરૂ કરી છે.