ગુજરાત
ઇકો ઝોન સાથે જૂનો પરિપત્ર પણ રદ કરો
ગીર સોમનાથ ,જૂનાગઢ અને અમરેલી સહિતના પંથકમાં ઇકોઝોનનું જાહેરનામું બહાર પડ્યું છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં લોકોનો ખૂબ જ વિરોધ જોવા મળી રહ્યો છે. ઇકોઝોન માટે સતત 8 વર્ષથી લડત લડનાર એવા આપ નેતા પ્રવીણ રામ આ મુદ્દે સતત પોતાનો અવાજ ઉઠાવીને આ આંદોલનને બુલંદ બનાવી રહ્યા છે. આજે આપ નેતા પ્રવીણ રામે મેંદરડા તેમજ તાલાલા ખાતેની રેલીમાં હાજરી આપી અને સ્ફોટક નિવેદન આપતા ઇકોઝોનને રદ કરવા માટે અને જુના જીઆરને પણ રદ કરવા માટે પોતાની માંગણી મૂકી. ત્યારબાદ આપ નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, સરકારે જે ઇકો ઝોન જાહેર કર્યો છે તે ઇકો ઝોન નહીં પરંતુ લૂંટો ઝોન છે. અત્યાર સુધી એક હાથે લુંટનાર સરકાર હવે ઇકોઝોન લાવીને બે હાથે લોકોને લૂંટવા માંગે છે. પહેલા તમે રેવન્યુ વિભાગમાં લૂંટતા હતા પરંતુ હવે વન વિભાગમાં જશો ત્યાં પણ તમને લૂંટવામાં આવશે. અમે આંદોલન નિયમો હળવા કરવા માટે નહીં પરંતુ આ ઇકોઝોનને નાબૂદ કરવા માટે કરી રહ્યા છે. કોઈપણ હાલે આ ઇકો ઝોન રદ કરવામાં આવે એ જ અમારી માંગણી છે. અમારી એ પણ માગણી છે કે આ ઇકો ઝોનને નાબૂદ કરવાની સાથે સાથે જૂનો જીઆર પણ રદ કરવામાં આવે.
નર્મદામાં 2014માં ઇકોઝોન લાગુ કરવામાં આવ્યો હતો અને ત્યાંના લોકોએ આંદોલન કર્યું અને પક્ષ વિપક્ષના દરેક લોકોએ પણ ભેગા થઈને આંદોલન કર્યું. ત્યારબાદ નર્મદાના ઇકોઝોનના પ્લાનને રદ કરવામાં આવ્યો. જો નર્મદામાં ઇકોઝોન સ્થગિત થઈ શકતો હોય તો ગીરમાં કેમ નહીં? નર્મદામાં પણ જુનો જીઆર લાગુ નથી પડ્યો તો ગીર પંથકમાં પણ જુનો જીઆર લાગુ પડવો જોઈએ નહીં. અત્યાર સુધી જંગલમાં ભ્રષ્ટાચાર કર્યો તેવા મુદ્દાઓ અમે સાંભળ્યા, અમારી ગ્રાન્ટ કોઈ ખેડૂતના ખાતામાં તમે નાખીને તેને ઉપાડી ગયા તેવી વાત પણ અમે સાંભળી. અંદર કોન્ટ્રાક્ટ ચાલતા હોય તેમાં તમારો ભાગ હોય તે પણ અમે સાંભળ્યું, પણ અત્યારે નવી વાત સાંભળવા મળી કે ઇકોઝોનના ગેજેટમાંથી તમે મુદ્દા પણ ખાઈ ગયા. સરકાર આંદોલનને કમજોર કરવા માટે ગમે તેટલી કોશિશ કરી લે પરંતુ આ વખતે ગીરના લોકો સરકાર સામે કમજોર પડવાના નથી અને કોઈપણ હિસાબે આ ઇકોઝોનને અમે રદ કરાવીને રહીશું એવી આપ નેતા પ્રવીણ રામે પ્રતિક્રિયા આપી હતી અને સાથે સાથે આ રેલીને સફળ બનાવનાર તમામ આયોજકો ,કિસાનસંઘના સાથીઓ, તેમજ તમામ ગામના સરપંચો અને ગ્રામજનોનો આભાર પણ માન્યો હતો