ગિરનાર પર જૈન સંપ્રદાયના અતિક્રમણ મુદ્દે સનાતનના તમામ સમુદાયનો લડી લેવા નિર્ધાર

જૂના અખાડ- અગ્નિ અખાડા- કિન્નર અખાડા- નાથ-વૈષ્ણવ- સ્વામિ નારાયણ સહિતના સંપ્રદાયોનો એક મંચ પર વિરોધ, મહારેલી યોજાઇ ગિરનાર સંરક્ષણ સમિતિના નેજા હેઠળ રાષ્ટ્રપતિને આવેદન અપાયું,…

જૂના અખાડ- અગ્નિ અખાડા- કિન્નર અખાડા- નાથ-વૈષ્ણવ- સ્વામિ નારાયણ સહિતના સંપ્રદાયોનો એક મંચ પર વિરોધ, મહારેલી યોજાઇ

ગિરનાર સંરક્ષણ સમિતિના નેજા હેઠળ રાષ્ટ્રપતિને આવેદન અપાયું, બિન અધિકૃત સ્મશાન કે નવા સ્મારકો બનતા રોકવા માંગ, આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન

જૂનાગઢની પવિત્ર ધરતી પર ગઇકાલે ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત સનાતન ધર્મની એક અભૂતપૂર્વ મહારેલી યોજાઈ હતી. આ રેલીમાં ગિરનારના રક્ષણ કાજે સાધુ-સંતો અને સનાતનીઓએ એકઠા થઈને વહીવટી તંત્ર સામે પોતાનો ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઝાંસીની રાણીના સર્કલ ખાતે આયોજિત સાધુ-સંતોની વિશાળ સભામાં ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા ગિરનારની પવિત્રતા અને તેના વારસાને જાળવી રાખવા માટે હાકલ કરવામાં આવી હતી.

આ સભાની સૌથી મોટી વિશેષતા એ હતી કે, સનાતન ધર્મના તમામ સંપ્રદાયોના સાધુ-સંતોએ મતભેદો ભૂલીને એક મંચ પર એકત્રિત થઈ એકતાનું પ્રદર્શન કર્યું હતું. જૂના અખાડા, અગ્નિ અખાડા, નાથ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય અને કિન્નર અખાડા સહિતના તમામ મહાનુભાવોએ ગિરનારના સંરક્ષણ માટે પોતાનો સુર પુરાવ્યો હતો.

ગિરનાર સંરક્ષણ સમિતિના નેજા હેઠળ મળેલી આ સભામાં સર્વાનુમતે ગિરનાર સંરક્ષણ સમિતિનું વિધિવત રજીસ્ટ્રેશન કરાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સમિતિમાં મહાદેવગીરી બાપુ અને ભગવતીદાસ બાપુ સદસ્ય તરીકે રહીને આ આખા અભિયાનનું નેતૃત્વ કરશે એવું નક્કી કરાયું હતું. સભા દરમિયાન સંતોએ ગિરનાર પર્વત પર થઈ રહેલા કથિત અતિક્રમણ સામે લાલ આંખ કરી હતી.

આ રજૂઆતમાં ખાસ કરીને જૈન સંપ્રદાય દ્વારા કરવામાં આવતા બાંધકામો અને પરિવર્તનો સામે રાષ્ટ્રપતિને સંબોધીને તૈયાર કરાયેલું આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. સભા પૂર્ણ થયા બાદ હજારોની સંખ્યામાં સાધુ-સંતો અને સનાતનીઓ રેલી સ્વરૂૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

સંતોએ આપેલી વિગતો મુજબ ગિરનાર ક્ષેત્રમાં અનેક જગ્યાએ પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. સીતાવનની આસપાસ આવેલા અતિ દુર્લભ વૃક્ષો જેવા કે સાગ, ખીજડો, ચંદન અને ખેરના સેંકડો ઔષધિય વૃક્ષોનું રક્ષણ કરવું અનિવાર્ય છે. સંતોએ આક્ષેપ કર્યો છે કે, જંગલ વિસ્તારની હદમાં બિનઅધિકૃત રીતે ડેરીઓ બનાવવામાં આવી છે અને ખોટી ચરણ પાદુકાઓ મૂકીને જગ્યાના નામ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે.આ ઉપરાંત શેપાવનથી ગૌમુખી ગંગા તરફના માર્ગ પર વન વિભાગની હદમાં હજારો ચોરસ ફૂટનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું પણ આવેદનપત્રમાં જણાવાયું છે. સંતોની માંગ છે કે, ગિરનાર ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના નવા સ્મારકો કે અગ્નિસંસ્કારની જગ્યાઓ ન બનવી જોઈએ અને જે બિનઅધિકૃત બાંધકામો છે તે તાત્કાલિક દૂર કરવા જોઈએ.

ગિરનારની આસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓમાં હનુમાન ધારા, ભરતવન, બોરદેવી અને કાશ્મીરીબાપુની જગ્યાઓ જેવી સનાતની સંસ્થાઓને ફોરેસ્ટ વિભાગ દ્વારા પડતી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કરાયો છે. આ જગ્યાઓ પર વીજ કનેક્શન આપવાની અને વાર્ષિક પાટોત્સવ ઉજવવાની કાયમી મંજૂરીની માંગ કરવામાં આવી છે. સંતોનું કહેવું છે કે, ગિરનાર ક્ષેત્રમાં રાત્રિ દરમિયાન કથા, સત્સંગ અને ભજન-કિર્તનના આયોજનમાં કોઈ અડચણ ન આવવી જોઈએ તેમજ શ્રદ્ધાળુઓ અને સંતોને રાત્રિ રોકાણની છૂટ મળવી જોઈએ. ગિરનારના પૌરાણિક કુંડો, ઝરણા અને મહેલો સનાતનીઓ માટે ખુલ્લા મૂકવા અને અંબાજીથી દત્તાત્રેય શિખર સુધીની 11 કે.વી.ની વીજ લાઈનનું કામ સત્વરે શરૂૂ કરવાની માંગ પણ કરવામાં આવી છે.

વહીવટી તંત્ર અને વન વિભાગ સામે રોષ ઠાલવતા સંતોએ જણાવ્યું હતું કે, રાજાશાહી વખતના મૂળભૂત રેકોર્ડમાં જે છેડછાડ કરવામાં આવી છે તેની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ગિરનાર અને ભવનાથ ક્ષેત્રમાં સનાતની મેળાઓ જેમ કે મહાશિવરાત્રી મેળો અને લીલી પરિક્રમામાં આવતા અન્નક્ષેત્રો અને ઉતારા મંડળોને કોઈ કનડગત ન થવી જોઈએ. આ મેળાને લઘુકુંભ તરીકેની સત્તાવાર ઓળખ આપવાની અને આવનારા લાખો શ્રદ્ધાળુઓ માટે પાણી, શૌચાલય અને રેલવેની વધારાની સુવિધાઓ આપવાની રજૂઆત પણ કરાઈ છે. ભવનાથ ક્ષેત્રમાં વધારાની જમીન ફાળવવી અને સનાતનીઓને ઓળખપત્ર આપી મુક્ત અવરજવરની છૂટ આપવી તે ગિરનારની અસ્મિતા માટે જરૂૂરી છે તેવું સંતો માને છે.

આ આખા અભિયાનના સમર્થનમાં આજે ભવનાથ ક્ષેત્ર અને ઝાંઝરડા રોડના વેપારીઓએ પોતાની દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી. સનાતન ધર્મના સંતોએ સરકારને આ મુદ્દાઓ પર વિચાર કરવા અને યોગ્ય નિર્ણય લેવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. બાપુએ અંતિમ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો એક મહિનામાં આ આવેદનપત્રના મુદ્દાઓ પર કોઈ સકારાત્મક કાર્યવાહી નહીં થાય, તો આગામી દિવસોમાં સાધુ-સંતો અને સનાતની જનતા ઉગ્ર આંદોલન તરફ વળશે. ગિરનારના વારસાને બચાવવા માટે સનાતન ધર્મ હવે આરપારની લડાઈ લડવા તૈયાર હોય એવું આ મહારેલીના દૃશ્યો પરથી સ્પષ્ટ જણાઈ રહ્યું હતું.

અંબાજીના રોપ-વેના ભાવ ઘટાડી અને ગિરનારની સીડીઓના જિર્ણોધ્ધાર કરવાની માગ
જ્યોતિ નાથજી બાપુએ વીડિયો સંદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે, ગિરનાર એ માત્ર પથ્થરોનો ઢગલો નથી પણ કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. તેમણે સરકારને સવાલ કર્યો હતો કે, જે વિસ્તાર ઇકો સેન્સેટિવ ઝોન અને વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં આવતો હોય ત્યાં અમુક લોકો દ્વારા આટલું મોટું બાંધકામ કેવી રીતે થઈ શકે? સંતોએ આક્ષેપ કર્યો છે કે, ગિરનાર પર બિરાજમાન ગુરુ દત્તાત્રેય ભગવાનના ચરણોમાં અન્ય સંપ્રદાય દ્વારા કરવામાં આવતી વિધિઓ સનાતન પરંપરા વિરુદ્ધ છે અને તેનાથી હિન્દુઓની લાગણી દુભાય છે. અંબાજી મંદિર પાસેના રોપ-વેના ભાવ ઘટાડવા અને ગિરનારની બંને સીડીઓનો જીર્ણોદ્ધાર કરી ત્યાં સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવાની પણ માંગણી કરવામાં આવી છે.