Site icon Gujarat Mirror

પ્રતિષ્ઠિત નેશનલ જિયોગ્રાફિક 33-2026ના લિસ્ટમાં આલિયા ભટ્ટ-પ્રિયંકાનો સમાવેશ

વિશ્ર્વભરના 33 ચેન્જમેકર્સને સ્થાન આપવામાં આવે છે

નેશનલ જ્યોગ્રાફિકે પોતાની પ્રતિષ્ઠિત ’નેશનલ જિયોગ્રાફિક 33 – 2026’નું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં વિશ્વભરના એવા ચેન્જમેકર્સને સ્થાન આપવામાં આવ્યું છે જે સમાજમાં મહત્ત્વપૂર્ણ બદલાવ લાવી રહ્યા છે. આ યાદીમાં ભારત તરફથી આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપડાનો સમાવેશ થયો છે. હાલમાં જાહેર કરવામાં આવેલી આ યાદીમાં એવાં 33 વ્યક્તિત્વોને માન આપવામાં આવ્યું છે જેઓ આજના સમયની ગંભીર સમસ્યાનો સામનો કરીને નવા ઉકેલ આપી રહ્યાં છે.

આલિયા ભટ્ટને પર્યાવરણ અને ક્લાઇમેટ વિશે જાગૃતિ ફેલાવવા બદલ સન્માનિત કરવામાં આવી છે. તેણે પોતાની પ્રોડક્શન-કંપની ’ઇટર્નલ સનશાઇન’ દ્વારા પર્યાવરણ આધારિત પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપ્યું છે. એ ઉપરાંત તેના બાળકો માટેના પુસ્તક ઍનિમલ અડોપ્શન વિશે જાગૃતિ લાવે છે. તેની કંપનીની એક ખાસ પહેલ ફેશન રીસેલ દ્વારા પર્યાવરણને મદદ કરે છે અને ચેરિટી માટે ફન્ડ એકત્રિત કરે છે. સાથે જ તેનું ’કો-એક્ઝિસ્ટ’ પ્લેટફોર્મ ઍનિમલ રાઇટ્સ માટે કામ કરતી સંસ્થાઓને સપોર્ટ કરે છે. પ્રિયંકા ચોપડાને હેલ્થકેર અવેરનેસ, ખાસ કરીને ડાયાબિટીઝ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ યાદીમાં સ્થાન મળ્યું છે. તે ’બિયોન્ડ ટાઇપ 1’ નામની નોન-પ્રોફિટ સંસ્થા સાથે જોડાયેલી છે અને ભારતમાં આ બીમારી વિશે લોકોમાં યોગ્ય માહિતી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તેણે લોકોને સમજાવ્યું છે કે ટાઇપ 1 ડાયાબિટીઝ સાથે પણ સામાન્ય અને સફળ જીવન જીવવું શક્ય છે.

Exit mobile version