ગુજરાત
અજાતશત્રુ- સેવાભાવી મુઠ્ઠી ઉંચેરા માનવી ઇન્દુભાઇ વોરા
શહેરે એક વડીલ અને આત્મજન ગુમાવ્યા, તેમની ખોટ ક્યારેય પુરી શકાશે નહીં
જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ, બિઝનેસમેન વિચક્ષણ વહીવટકર્તા અને જીવન પર્યંત સેવાકીય પ્રવૃતિઓમાં કાર્યરત ઇન્દુભાઇ વોરા સમગ્ર જામનગર વાસીઓ માટે સન્માનનિય હતા. બોમ્બે મીંનરલ્સના નેજા હેઠળ ઇન્દુભાઈ વોરાએ ખાણ ખનીજ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી હતી. ઇન્દુભાઈની કુનેહ અને સમાજમાં પ્રતિષ્ઠા ના સથવારે જામનગર મહાનગરપાલિકાના સ્થાયી સમિતિમાં અધ્યક્ષ પદે વરણી થઈ હતી, અને તેમના કાર્યકાળમાં જામનગર શહેરના વિકાસ કાર્ય માં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત જામનગરની ઉદ્યોગકારો- વેપારીઓની પ્રતિષ્ઠિત સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે પણ સફળતાપૂર્વક જવાબદારી સંભાળી હતી.
જામનગરમાં આરોગ્ય લક્ષી સેવા માટે સ્થપાયેલી ગુલાબ કુંવરબા આયુર્વેદ સોસાયટીમાં તેઓ વિવિધ હોદ્દા પર રહ્યા હતા, અને સોસાયટીના માધ્યમથી ચિકિત્સા કેન્દ્ર શરૂૂ કરાવ્યું હતું. આ ઉપરાંત સોસાયટી દ્વારા નિદાન કેમ્પો, ઉકાળા વિતરણ અને આયુર્વેદિક દવા વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. ખાસ કરીને કોરોના સમયે સોસાયટી દ્વારા આયુર્વેદિક ઔષધીનું વિતરણ નોંધપાત્ર રહ્યું હતું. ગૌસેવા માટે પણ તેઓનું યોગદાન આપી સેવારત રહ્યા હતા. તેઓ ગૌસેવા મહા અભિયાન ટ્રસ્ટમાં જોડાયા હતા, અને ગૌ માતાની સેવા માટે પણ અનેક સેવા કાર્યો કર્યા હતા. બેન્કિંગ વ્યવસાય ક્ષેત્રે પણ તેઓ વિચક્ષણ વહીવટકર્તા રહ્યા હતા.
જામનગરની ધી કોમર્શિયલ કોપરેટીવ બેંક ના ચેરમેન પદ પર રહીને તેમણે કો.કો. બેંક ને જામનગરની અગ્રણી સહકારી બેંકોના હરોળમાં લાવી દીધી હતી.સૌથી વધુ સમય વિદ્યોતેજક મંડળમાં સેવા આપી છે. છેલ્લા 50 વર્ષથી અર્થાત વિદ્યોતેજક મંડળની સ્થાપના થી જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ આ સંસ્થા સાથે સતત સક્રિય રીતે જોડાયેલા રહ્યા હતા. વિદ્યોતેજક મંડળમાં સહમંત્રી, મંત્રી, અને છેલ્લે પ્રમુખ તરીકે મહત્વની જવાબદારી નિભાવી હતી. જામનગરમાં વીદ્યોતેજક મંડળ સંચાલિત બાલ ભવન, કુમાર શાળા, હાઇસ્કુલ, કોમર્સ કોલેજ,લો કોલેજ સુધીની શૈક્ષણિક સંસ્થાનોમાં વધુને વધુ સારું શિક્ષણ અને સંસ્કાર મળે, વધુ ને વધુ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય, તે દિશામાં હંમેશાં પ્રયત્નશીલ રહ્યા હતા.
આજે જામનગરમા વિદ્યોતેજક મંડળની શૈક્ષણિક સંસ્થાઓ તમામ જરૂૂરી સુવિધાઓ, રમત ગમતનું મેદાન, કોમ્પ્યુટર સિસ્ટમ, અનુભવી શૈક્ષણિક સ્ટાફ, વહીવટી સટાફના કારણે તેમજ અન્ય ખાનગી શૈક્ષણિક સંસ્થાઓની સરખામણીમાં ખૂબ જ રાહત વાળા ફી ના ધોરણ સાથે હજારો વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ માટે સુવિખ્યાત છે. જામનગરમાં ઉદ્યોગ, વેપાર, આરોગ્ય, સામાજિક ક્ષેત્રે તેમ જ ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ઇન્દુભાઈની સેવાઓ અને તેમનું યોગદાન હંમેશા ચિરંજીવ રહેશે. હસમુખો ચહેરો, સાલસ સ્વભાવ થતા સૌ કોઈની સાથે સંકલન કરીને હકારાત્મક અભિગમ કાર્યશૈલીના કારણે તેઓ સૌના સહૃદય મિત્ર હતા. બીજા શબ્દોમાં તેઓ અજાત શત્રુ હતા. આવા મુઠ્ઠી ઉચેરા માનવી ની વિદાયથી જામનગરે એક આપ્તજન ગુમાવ્યા છે. એક ઉચ્ચ સેવાભાવી માર્ગદર્શક અને વડીલ ગુમાવ્યા છે. જેમની ખોટ ક્યારેય પૂરી શકાશે નહીં.