AIની કમાલ: શહેરમાં ડ્રોન સર્વેલન્સમાં 17,859 સ્થળોએ મચ્છરના બીડિંગ સોર્સ મળ્યા

  શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના વધતા પ્રકોપને ડામવા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ આધુનિક ટેક્નોલોજીનો સહારો લીધો છે. પરંપરાગત પદ્ધતિઓની સાથે હવે…

 

શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના વધતા પ્રકોપને ડામવા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ આધુનિક ટેક્નોલોજીનો સહારો લીધો છે. પરંપરાગત પદ્ધતિઓની સાથે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડ્રોન સર્વેલન્સની મદદથી અત્યાર સુધીમાં 147.79 ચો.કિ.મી. વિસ્તારમાં સઘન ચેકિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ડ્રોન સર્વે દરમિયાન મચ્છર ઉત્પત્તિના કુલ 17,859 જેટલા સંભવિત સ્થળો (Breeding Sources) શોધી કાઢવામાં તંત્રને મોટી સફળતા મળી છે.ડેન્ગ્યૂ ફેલાવતા એડીસ મચ્છરો સ્વચ્છ પાણીમાં ઝડપથી ઈંડા મૂકે છે અને તેનો ફેલાવો ખૂબ જ ટૂંકા સમયમાં થાય છે.

આ પડકારને પહોંચી વળવા માટે જ્યાં માનવબળ પહોંચી ન શકે અથવા જે સ્થળો જોખમી હોય ત્યાં ડ્રોન ટેક્નોલોજી આશીર્વાદરૂૂપ સાબિત થઈ છે. ડ્રોન મારફતે નદીના પટ, વોકળા અને બંધ પડેલા વિસ્તારોમાં 306 કલાક જંતુનાશક દવાનો છંટકાવ કરાયો છે. સર્વેમાં મળેલા 17,859 સ્થળો પૈકી 14,320 સ્થળો પર ફિલ્ડ વર્કરો દ્વારા સોર્સ રિડક્શન અને દવાનો છંટકાવ કરી મચ્છરોના બ્રીડિંગનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગ્રાઉન્ડ લેવલ પર 1,07,643 ઘરોમાં પોરાનાશક (લાર્વીસાઇડલ) કામગીરી અને સંવેદનશીલ વિસ્તારોમાં વ્હિકલ માઉન્ટેડ મશીનથી સઘન ફોગિંગ કરવામાં આવ્યું છે.

બાંધકામ સાઇટ, હોસ્પિટલ, સ્કૂલ અને ઇન્ડસ્ટ્રીઝ સહિત 561 જેટલી કોમર્શિયલ સાઇટ્સનું ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં મચ્છર ઉત્પત્તિ સબબ 247 રહેણાંક અને 87 કોમર્શિયલ એકમોને નોટિસ ફટકારી વહીવટી ચાર્જ વસૂલાયો છે. સાથે જ પાણીજન્ય રોગો અટકાવવા 2,554 જેટલા ક્લોરીન ટેસ્ટ પણ કરાયા છે.
મનપા તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ અગાસી કે ભંગારમાં પાણી ભરાયેલું ન રહે તેની ખાસ તકેદારી રાખે અને આ સઘન ડ્રોન સર્વેલન્સ ઝુંબેશમાં આરોગ્ય ટીમને સંપૂર્ણ સહકાર આપે.