ગુજરાત
એઈમ્સના ડાયરેક્ટર કટોચનું રાજીનામું, રજા પર ઉતરી ગયા
જોધપુરના ડો. ગોવર્ધનદત પુરીને ચાર્જ સોંપાયો, તે પણ હાજર થઈને ફરી જોધપુર જતા રહ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઔપચારીક ઉદ્ઘાટન કર્યાના 8 મહિના પછી હજુ પણ એઈમ્સમાં ટોચની જગ્યાઓ ખાલી પડી છે. એઈમ્સના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર કર્નલ ડો. સી.ડી.એસ. કટોચે બે મહિના અગાઉ રાજીનામું ધરી દીધાનું હવે બહાર આવ્યું છે અને લાંબી રજાઓ પર ઉતરી ગયા છે. આ સાથે જ તેમનો હવાલો જોધપુર એઈમ્સના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર ડોક્ટર ગોવર્ધન દત્ત પુરીને આપી દેવામાં આવ્યો છે અને ડોક્ટર ગોવર્ધન દત પુરી ચાર્જ લઈને પરત જોધપુર પણ જતા રહ્યા છે. આ સાથે જ એઈમ્સની મહત્વની ચાર જગ્યાઓ ખાલી પડી છે. અને અલગ અલ ચાર્જ આપીને ગાડુ ગબડાવાય છે.
રાજકોટ ખાતે એઈમ્સની જાહેરાત થયા બાદ કોઈને કોઈ કારણે વિવાદ સર્જાતો રહે છે. અગાઉ વાજપાઈ સરકારમાં કેન્દીય મંત્રી રહેલા ડો. વલ્લભ કથિરિયાને 2 ઓગસ્ટ 2023ના રોજ એઈમ્સના પ્રેસિડન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ તેમણે 18 દિવસમાં જ રાજીનામું આપી દીધું હતું. તાજેતરમાં જ એઈમ્સના ડે. ડાયરેક્ટર (એડમીન) કર્નલ પુનિત અરોરા નિકળી ગયા હતાં. ત્યાર બાદ વહીવટી અધિકારીની જગ્યા તરીકે ફરજ બજાવતા જયદેવસિંહ વાળાને લઈને પણ ઘણો વિવાદ થયો હતો. જયદેવસિંહ વાળાની પણ ગુજરાત સરકાર દ્વારા 14 ઓક્ટોબરના રોજ અન્યત્ર પોસ્ટીંગ કરી દેવામાં આવ્યું છે. હાલ આ જગ્યા પણ ખાલી છે. એઈમ્સમાં અગાઉ ડેપ્યુટી ડાયરેક્ટર એડમીન તરીકે ફરજ બજાવતા કર્નલ પુનિત અરોરાના રાજીનામા બાદ જેનો હવાલો 4 સપ્ટેમ્બરના રોજ પ્રોફેસર ડો. કુલદિપ જીબીને સોંપી દેવામાં આવ્યો હતો.
એઈમ્સના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર કર્નલ ડોક્ટર સી.ડી.એસ. કટોચે દિવાળીની રજાના દિવસે જ એઈમ્સ રાજકોટની ફેકલ્ટીને વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરીને જાણ કરી દીધી કે, મે બે મહિના પહેલા સ્વાસ્થ્ય અને અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. મારુ રાજીનામું હજુ સ્વીકારાયું નથી. પરંતુ હું લાંબી રજા પર ઉતરી રહ્યો છું. જે મંજુર કરવામાં આવીછે. મારી રજાના સમયગાળા દરમિયાન એઈમ્સ રાજકોટનો વધારાનો હવાલો જોધપુર એઈમ્સના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટરને સોંપવામાં આવ્યો છે.
જોધપુરથી આવેલા ડો. ગોવર્ધન દત પુરી નવા વર્ષના દિવસે રાજકોટ પહોંચી ગયા હતા અનેચાર્જ સંભાળી લીધો હતો. બીજા દિવસે તેમણે સવારે એઈમ્સ રાજકોટની હોસ્પિટલ અને હોસ્ટેલના ચક્કર લગાવ્યા હતાં. પરંતુ તેઓ પરત જોધપુર ફરી ગયા છે.