આલેલે… અમદાવાદ વિશ્ર્વનું બીજા નંબરનું ગરમ શહેર

ઓક્સફર્ડ યુનિ.ના અભ્યાસમાં વિશ્ર્વના ટોપ 50 ગરમ શહેરોમાં ભારતના 14 વૈશ્વિક સ્તરે વધતા તાપમાન અને આબોહવા પરિવર્તન વચ્ચે એક નવા અભ્યાસે ચિંતા વધારી છે. ઓક્સફોર્ડ…

ઓક્સફર્ડ યુનિ.ના અભ્યાસમાં વિશ્ર્વના ટોપ 50 ગરમ શહેરોમાં ભારતના 14

વૈશ્વિક સ્તરે વધતા તાપમાન અને આબોહવા પરિવર્તન વચ્ચે એક નવા અભ્યાસે ચિંતા વધારી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધનના આધારે જાહેર થયેલી વિશ્વના સૌથી વધુ હીટ રિસ્ક ધરાવતા શહેરોની યાદીમાં ભારતના 14 શહેરોને સ્થાન મળ્યું છે. ખાસ કરીને અમદાવાદ વિશ્વનું બીજું સૌથી ગરમ શહેર જાહેર થતાં આ મુદ્દે ફરી ચર્ચા તેજ બની છે.

’સસ્ટેનેબલ સિટીઝ એન્ડ સોસાયટી’ જર્નલમાં પ્રકાશિત થયેલા ઓક્સફોર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં વિશ્વના કુલ 205 શહેરોનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે. આ અભ્યાસમાં શહેરોમાં ગરમીનું જોખમ, વસ્તી, નબળાઈ અને અન્ય પરિબળોના આધારે હીટ રિસ્કનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. અભ્યાસ અનુસાર યાદીમાં સામેલ લગભગ 95 ટકા શહેરોને ઊંચા હીટ રિસ્ક ધરાવતા શહેરો તરીકે ઓળખવામાં આવ્યા છે.

સૌથી વધુ શહેરો દક્ષિણ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા અને સબ-સહારન આફ્રિકાના છે, જ્યાં વધતું તાપમાન અને ઝડપી શહેરીકરણ ગરમીના જોખમને વધુ ગંભીર બનાવે છે. આ યાદીમાં ઇરાકનું અલ-બસરા શહેર પ્રથમ ક્રમે છે. ઉનાળાની ઋતુ દરમિયાન અહીં તાપમાન ઘણીવાર 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.
અત્યંત ગરમી, સૂકું વાતાવરણ અને લાંબા સમય સુધી રહેતા હીટવેવના કારણે આ શહેર વિશ્વનું સૌથી વધુ ગરમીનું જોખમ ધરાવતું શહેર ગણાયું છે.

ભારતનું અમદાવાદ આ યાદીમાં બીજા ક્રમે છે, જે દેશ માટે ચિંતાજનક સંકેત માનવામાં આવે છે. ઉનાળામાં અમદાવાદમાં દિવસ દરમિયાન તાપમાન ખૂબ ઊંચું રહે છે અને રાત્રે પણ ખાસ ઘટાડો જોવા મળતો નથી. શહેરમાં વધતું કોંક્રીટનું નિર્માણ, ઓછી હરિયાળી અને ’અર્બન હીટ આઇલેન્ડ’ અસરના કારણે ગરમી વધુ અનુભવાય છે.

આ અભ્યાસમાં ભારતના કુલ 14 શહેરોને સ્થાન મળ્યું છે, જે દર્શાવે છે કે દેશના અનેક મોટા શહેરો વધતી ગરમીના ગંભીર પડકારનો સામનો કરી રહ્યા છે. ભારતના આટલા મોટા પ્રમાણમાં શહેરો ટોપ-50માં સામેલ થતાં ભારત વિશ્વમાં સૌથી વધુ ગરમ શહેરો ધરાવતો દેશ તરીકે સામે આવ્યું છે.

સંશોધકોએ શહેરોની હીટ રિસ્ક રેન્કિંગ તૈયાર કરવા માટે અનેક વૈજ્ઞાનિક માપદંડોનો ઉપયોગ કર્યો હતો. તેમાં મુખ્યત્વે શહેરની કુલ વસ્તી, નોર્મલાઇઝ્ડ હેઝર્ડ સ્કોર, નોર્મલાઇઝ્ડ વલ્નરેબિલિટી સ્કોર અને નોર્મલાઇઝ્ડ લાઇફ સાયકલ એસેસમેન્ટનો સમાવેશ થાય છે. આ તમામ પરિબળોના આધારે દરેક શહેરમાં ગરમીથી લોકો પર પડતા સંભવિત જોખમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

આ યાદી માત્ર તાપમાન દર્શાવતી નથી, પરંતુ ભવિષ્યમાં શહેરો માટે ઊભા થઈ રહેલા હવામાન સંબંધિત જોખમો તરફ પણ ધ્યાન દોરે છે. વધતું શહેરીકરણ, ઘટતી હરિયાળી, કોંક્રીટના વધતા વિસ્તાર અને આબોહવા પરિવર્તનના કારણે હીટવેવની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.

યાદીમાં સામેલ ભારતીય શહેરો
અમદાવાદ, નાગપુર, મદુરાઈ, ભોપાલ, કાનપુર, પુણે, પટણા, હૈદરાબાદ, બેંગલુરુ, કોલકાતા, જયપુર, લખનૌ, મુંબઈ, ચેન્નાઈ

દુનિયાના ટોપ-10 સૌથી ગરમ શહેરો
અલ-બસરા (ઇરાક), અમદાવાદ (ભારત), બમાકો (માલી), નાગપુર (ભારત), ક્વેઝોન સિટી (ફિલિપાઇન્સ), બગદાદ (ઇરાક), મદુરાઈ (ભારત), ફૈસલાબાદ (પાકિસ્તાન), લાગોસ (નાઇજિરિયા), હૈદરાબાદ (પાકિસ્તાન)