રાષ્ટ્રીય
ભારે કરી, મુખ્યમંત્રીના સમોસા સ્ટાફ ખાઈ જતાં સીઆઈડીને તપાસ સોંપાઈ
સમોસા ભારતના સૌથી લોકપ્રિય ખાદ્યવસ્તુમાનો એક છે. હોટલથી લઈને રસ્તા પરની લારી સુધી અનેક લોકો સમોસા ખાતા જોવા મળશે. પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે સમોસાએ સમગ્ર પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ કરી દીધી હોય? આ એવું થયું છે, કોંગ્રેસ શાસિત રાજ્ય હિમાચલ પ્રદેશમાં આવી ઘટના બની છે. હાલના દિવસોમાં હિમાચલમાં સમોસાએ રાજકારણ ગરમાવી દીધું છે. સમોસાના કારણે પાંચ પોલીસકર્મીઓને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. એટલું જ નહીં તેની સામે કડક શિસ્તભંગના પગલાંની ભલામણ પણ કરવામાં આવી છે. રાજ્યની સીઆઈડી પુલીસ તેની તપાસ કરી રહી છે.
હકીકતમાં 21 ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ સાયબર વિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા સીઆઈડી હેડક્વાર્ટર ગયા હતા. ત્યારે અહીં મુખ્યમંત્રી માટે જે સમોસા લાવવામાં આવ્યા હતા. તે સમોસાને તેમના સ્ટાફમાં વહેંચી દેવામાં આવ્યા હતા. હવે સીઆઈડીએ તેની તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે માત્ર એસઆઈને જ ખબર હતી કે આ સમોસાનું બોક્સ ખાસ સીએમ સુખુ માટે લાવવામાં આવ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, જ્યારે આ બોક્સને મહિલા ઇન્સ્પેકટરને સોંપવામાં આવ્યા હતા, ત્યારે તેણે કોઈ પણ સિનીયર અધિકારી સાથે આ અંગે કોઈ પુષ્ટિ કરી ન હતી. અને તેમને નાસ્તા અંગેની જવાબદારી સંભાળનાર મિકેનિકલ ટ્રાન્સપોર્ટ(ખઝ) વિભાગમાં મોકલી દીધા હતા. તેમની આ ભૂલને કારણે બોક્સ બીજે કંઈ ખોવાઈ ગયું હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સંકલનનો અભાવ આ ભૂલ માટે એક મહત્ત્વપૂર્ણ કારણ છે.