ગુજરાત
ફરી શરમજનક ઘટના, પ્રસૂતાને ઝોળીમાં નાખી લઇ જવાઇ
છોટાઉદેપુરના તુરખેડા ગામે રસ્તાના અભાવે ત્રણ કિ.મી. સુધી ઝોળીમાં લઇ જઇ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાઇ
ગત તા.1 ઓકટોબરે બનેલી ઘટનાનનું પુનરાવર્તન હાઇકોર્ટે કહ્યુ હતું કે, અમારું માથું શરમથી ઝૂકી જાય છે, છતાં સરકાર બેધ્યાન
ગુજરાતમાં ફરી એકવાર શર્મસાર કરતી ઘટના બની છે. ગતતા.1 ઓકટોબરના રોજ છોટાઉદેપરુના તુરખેડા ગામે રસ્તાના આભાવે એમ્બ્યુલન્સ પહોંચી નહીં શકતા પ્રસુતાને ઝોળીમાં નાખીને પાંચ કિ.મી દુર દવાખાને પહોંચાડવામાં આવ્યાની ઘટનાની હાઇકોર્ટે ગંભીર નોંધ લઇ આવી ઘટનાથી અમારૂ માથુ શરમથી ઝુકી જાય છે તેવી આકરી ટકોર કરી સરકારને કેટલાક નિર્દેશો આપ્યા હતા.
પરંતુ આવી જ બીજી શરમજનક ઘટના બની છે. જેમાં છોટાઉદેપુર તાલુકાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં રહેતી એક પ્રસુતાને રસ્તાના અભાવે ઝોળીમાં નાખી ત્રણ કિલો મીટર દૂર આંબા ડુંગર નામના ટેકરા સુધી લાવવામાં આવ્યા બાદ ત્યાથી 108 એમ્બ્યુલન્સ મારફત કવાંટ ખાતેના આરોગ્યકેન્દ્રમાં ખસેડાઇ હતી.
મળતી માહિતી મુજબ તુરખેડા ગામના માનુક્લા ફળિયાની વધુ એક પ્રસૂતા મહિલા રમીલા જુવાનસિંગ રાઠવાને પ્રસૂતિની પીડા ઉપડતાં તેમને કાપડની ઝોળી બનાવીને ઉચકીને ત્રણ કિલોમીટર દૂર આંબા ડુંગર લઈ જવાઇ હતી અને ત્યાથી 108માં કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાઇ હતી. ત્યાં રાત્રે મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.
આ ઘટના બાદ ગઈકાલે ચીફ એન્જિનિયરે તુરખેડા ખાતે જાતે જઈને તપાસ કરી હતી, પરંતુ ચીફ એન્જિનિયર ફકત ગામના પાદર સુધી જ ગયા હોવાનું અને ત્યાંથી અધિકારીઓને જરૂૂરી સૂચનો કર્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ખરેખર ચીફ એન્જિનિયરે ગામના અંતરિયાળ વિસ્તારમાં જઈને પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈતો હતો, જેથી સાચી હકીકત સામે આવી શકી હોત.
છોટા ઉદેપુર જીલ્લાના ઉટી તરીકે ઓળખાતા તુરખેડા ખાતે રસ્તાના અભાવે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તો ન હોવાના કારણે પ્રસૂતા મહિલાને અથવા કોઈ બીમાર પડે ત્યારે તેમને કપડાની ઝોળી બનાવીને ઉંચકીને ગામની બહાર લઈ જવામાં આવે છે અને ત્યાંથી 108 અથવા અન્ય કોઈ સાધનની મદદથી કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવે છે. જેમાં ઘણીવાર મૃત્યુ પામવાની ઘટના પણ ઘટે છે. ગત 1 ઓકટોબરના રોજ એક પ્રસૂતા મહિલાને ઝોળીમાં ઉંચકીને લઇ જતા રસ્તામાં પ્રસુતિ થઈ ગઈ હતી. જેમાં પ્રસૂતા મહિલાનું મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 દિવસમાં ત્રીજી વખત પ્રસૂતા મહિલાને ઝોળીમાં નાખીને ત્રણથી પાંચ કિલોમીટર દૂર ગામની બહાર લઈ જઈને કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઇ જવાની ઘટનાઓ ઘટી છે.
આ આગાઉ ગત તા.1 ઓકટોબરના રોજ કવિતાબેન ભીલ નામની મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા ઝોળીમાં નાખીને ઉંચકીને પાંચ કિલોમીટર દૂર લઈ જતી વખતે રસ્તામાં પ્રસૂતિ થઈ ગઈ હતી.
બાળકીને જન્મ આપ્યા બાદ કવિતાબેનનું મોત નિપજ્યું હતું. જેના અહેવાલ મીડિયામાં પ્રસારિત થતાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો પી.આઇ.એલ.દાખલ કરી હતી અને સરકારને રિપોર્ટ રજૂ કરવા નોટિસ ફટકારી હતી. તેમજ આકરી ટકોર પણ કરી હતી.
ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ છોટાઉદેપરના કવાંટ તાલુકાના આંબાડુંગરના માનુકલા ફળિયામાં રસ્તાના અભાવે પ્રસ્તુના મહિલાને ઝોળીમાં નાખી આંબાડુંગર ગામે ટેકરા સુધી લાવમાં આવી, જ્યાંથી 108ને ફોન કરી કવાંટ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવમાં આવી હતી.
ગુજરાતના છેવાડાનું અને છેલ્લું ગામ આંબાડુંગરના માનુકલા ફળિયા જે ગામ માટે વિકાસના વાયદા તો કરવામાં આવે છે. પરંતુ ગામના લોકોને વિકાસની ઝંખના સિવાય કાઈ મળ્યું નથી. વિકાસથી વંચિત આ ગામના લોકો આજે પાકા રોડ રસ્તાથી વંચિત છે. આરોગ્ય સેવાની 108ની ગાડીની જગ્યાએ ઝોળીનો ઉપયોગ કરીને પ્રસૂતા મહિલાઓને હોસ્પિટલ સુધી પહોચાડવામાં આવે છે. તો કેટલીક મહિલાઓના ઝોળીમાં જ હોસ્પિટલ પહોંચતાં પહેલાં મોત થયા હોવાના બનાવો બન્યા છે.