ગુજરાત
સાત દાયકા પછી એક દેશ એક બંધારણનો સંકલ્પ પૂરો: મોદી
જમ્મુ- કાશ્મીરમાં પ્રથમ વખત શપથવિધિ ભારતીય બંધારણ મુજબ થઇ; કેવડિયા ખાતે સરદાર પટેલ જયંતીની ઉજવણી પ્રસંગે વડાપ્રધાનનું સંબોધન
ગુજરાતની ફરી મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિતે એકતા પરેડ દરમિયાન જણાવ્યું સાત દાયકા બાદ ‘એક દેશ એક બંધારણ’નો સંકલ્પ પૂર્ણ થયો છે. જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ વખત મુખ્યમંત્રીએ ભારતના બંધારણના શપથ લીધા છે.
એકતા દિવસ નિમિત્તે પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા દિવસની દેશવાસીઓને શુભેચ્છાઓ. આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસે અદભૂત સંયોગ છે. એક તરફ એકતા દિવસ, બીજી તરફ દિવાળીનો પાવન પર્વની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. દીવડાના માધ્યમથી દિવાળી સમગ્ર દેશને જોડે છે. દિવાળી સમગ્ર દેશને પ્રકાશમય કરે છે. હવે તો દિવાળી ભારતને વિશ્વના દેશો સાથે પણ જોડી રહી છે.
અનેક દેશોમાં દિવાળીનો પર્વ ઉજવાઇ રહ્યો છે. તમામને દિવાળીની અનેક અનેક શુભકામનાઓ…
એકતા દિવસ નિમિત્તે પીએમ મોદીએ કહ્યું હતું કે, આ વખતનો એકતા દિવસ વિશેષ છે. સરદાર પટેલની 150મી જન્મ જયંતી વર્ષની શરૂૂઆત થઇ છે. 2 વર્ષ દેશમાં સરદારની 150મી જયંતીનો ઉત્સવ ઉજવાશે. દેશવાસીઓની આ સરદાર પ્રત્યેની કાર્યાંજલિ છે. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પને તે મજબૂત કરશે. આપણને આઝાદી મળી ત્યારે કેટલાક ભારતની વિખેરાવાની રાહ જોતા હતા. તેમને આશા નહોતી કે અસંખ્ય રજવાડાને એક કરી શકાશે. સરદાર સાહેબે એક ભારતનું નિર્માણ કરીને બતાવ્યુ. સરદાર સાહેબ વ્યવહારમાં યથાર્થવાદી હતા. તેઓના ધ્યેયમાં રાષ્ટ્રવાદી હતા.
પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે આપણી પાસે છત્રપતિ શિવાજી મહારાજની પ્રેરણા છે. રાયગઢનો કિલ્લો સાક્ષાત ગાથા કહે છે. એકતાનગરમાં રાયગઢના કિલ્લાની છબી પ્રેરણાનું અતિત દર્શાવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના માત્ર નામમાં યુનિટી નથી, તેને બનાવવામાં પણ યુનિટીનો ઉપયોગ થયો છે. ખેડૂતોના ખેતરોમાં વપરાતા ઓજારોનું લોખંડ ઉપયોગમાં લેવાયુ. દેશના દરેક ખૂણાની માટી અહીં લવાઇ છે. તેનું નિર્માણ જ એકતાની અનુભૂતિ કરાવે છે. યાત્રીઓ માટે અહીં એકતા મોલ પણ છે. એકતાનો સંદેશ એકતા દોડથી પણ મજબુત થાય છે. દેશની એકતાના દરેક પ્રયાસને ઉજવીએ તે આપણી ફરજ છે. ઉર્જા, આત્મવિશ્વાસ, દરેક પળે નવા સંકલ્પ એ જએકતા દિવસની ઉજવણી છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, અગાઉ અલગ અલગ ટેક્સ હતા, અમે જીએસટી લાવ્યા છે. દેશમાં એક દેશ, એક બંધારણનો સંકલ્પ પૂર્ણ થયો છે. 70 વર્ષ સુધી એકસરખું બંધારણ આખા દેશમાં લાગુ નહોતુ, સંવિધાનની માળા જપનારાએ સંવિધાનનું અપમાન કર્યુ છે.
ભારત ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યું છે. આસામ અને મેઘાલય વચ્ચેનો વિવાદ ઘણી હદે સમાપ્ત થઈ ગયો છે. આસામમાં 50 વર્ષથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો. આસામમાં હજારો વિસ્થાપિત લોકો તેમના ઘરે પાછા ફર્યા. ઉત્તર પૂર્વમાં શાંત અલગાંવ. નક્સલવાદના રોગને નાબૂદ કર્યો. જમ્મુ-કાશ્મીરના લોકોએ અલગતાવાદને ફગાવી દીધો. 370 કાયમ માટે દફનાવવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસોમાં સતત બીજી વખત ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના પ્રવાસના આજના બીજા દિવસે તેઓ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયાની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ આ દરમિયાન રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવ્યાં હતાં. તેમણે કહ્યું કે હું શપથ લઉં છું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા હું મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓ સુધી આ સંદેશ પહોંચાડવા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. હું દેશની એકતાની ભાવનાથી શપથ લઈ રહ્યો છું જે સરદાર પટેલની દૂરંદેશી અને કાર્યોથી શક્ય બન્યું. હું દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારા હિસ્સાનું યોગદાન આપવાનો પણ સંકલ્પ કરું છું.