રાતભર ડ્રામા બાદ ઈરાન-અમેરિકા 60 દિવસમાં ડીલ માટે સહમત

હોર્મુઝ ખાડીમાં બન્ને દેશો વચ્ચે સીધો સંઘર્ષ ખાળવા હોટલાઈન સ્થાપિત કરાશે, લેબનોનમાં સૈન્ય કાર્યવાહી અને હિંસા રોકવા સંયુક્ત સેલની રચના ટ્રમ્પે હુમલાની ધમકી આપતા ઈરાની…

હોર્મુઝ ખાડીમાં બન્ને દેશો વચ્ચે સીધો સંઘર્ષ ખાળવા હોટલાઈન સ્થાપિત કરાશે, લેબનોનમાં સૈન્ય કાર્યવાહી અને હિંસા રોકવા સંયુક્ત સેલની રચના

ટ્રમ્પે હુમલાની ધમકી આપતા ઈરાની પ્રતિનિધિ મંડળે વોકાઉટ કર્યા બાદ નાટકીય ઢબે સમાધાન, ટેક્નિકલ ટીમો વચ્ચે સતત મંત્રણા

 

અમેરિકા-ઈરાન વચ્ચે ભારે ખેંચતાણ અને હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે અંતે યુધ્ધ સમાપ્તી અંગે બન્ને દેશો 60 દિવસમાં ફાઈનલ ડીલ કરવા સહમત થતાં વિશ્ર્વભરમાં રાહતની લાગણી જન્મી છે. સ્વિઝરલેન્ડમાં બન્ને દેશોના પ્રતિનિધિ મંડળો વચ્ચે બેઠક દરમિયાન ભારે તંગ વાતાવરણ રહ્યું હતું અને અમેરિકન પ્રેસિડન્ટે તિવ્ર હુમલાની ધમકી આપતાં એક તબક્કે ઈરાની પ્રતિનિધિ મંડળે બેઠકમાંથી વોકાઉટ કર્યો હતો. સાથોસાથ લેબનોન અંગે પણ ઠોસ નિર્ણય કરવા ઈરાને જીદ ચાલુ રાખી હતી. જો કે, લાંબો સમય ડ્રામા ચાલ્યા બાદ 60 દિવસમાં ફાઈનલ ડીલ કરવા બન્ને દેશો વચ્ચે સહમતી સધાઈ હતી. આમ છતાં બન્ને દેશો તરફથી કેટલાક દાવા પ્રતિદાવા ચાલુ રહ્યા છે.

મંત્રણામાં મધ્યસ્થતા કરી રહેલા કતર અને પાકિસ્તાને સત્તાવાર રીતે દાવો કર્યો છે કે, અમેરિકા અને ઈરાન આગામી 60 દિવસની અંદર એક અંતિમ અને મોટા પરમાણુ કરાર સુધી પહોંચવા માટેના રોડમેપ પર સહમત થઈ ગયા છે. આ સાથે જ મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ ટાળવા માટે અન્ય બે મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.

રાતભર ચાલેલી આ બેઠક બાદ જે ત્રણ મુખ્ય સારા સમાચાર સામે આવ્યા છે તે મુજબ 60 દિવસમાં બંને દેશો કાયમી કરાર કરવા માટે રાજી થયા છે. હાલ પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે અને હવે બંને દેશોની ટેકનિકલ ટીમો આખું અઠવાડિયું સ્વિટ્ઝર્લેન્ડમાં રહીને આગળની વિગતો નક્કી કરશે. આ ઉપરાંત હોર્મુઝની ખાડીમાં બંને દેશોની નૌસેનાઓ વચ્ચે કોઈ અકસ્માત કે સીધો સંઘર્ષ ન થાય તે માટે એક વિશેષ ’હોટલાઈન’ અથવા કમ્યુનિકેશન લાઈન સ્થાપિત કરવામાં આવશે. તેમજ લેબનાનમાં ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી અને હિંસાને તાત્કાલિક રોકવા માટે અમેરિકા અને ઈરાન સંયુક્ત રીતે ’ડી-કોન્ફ્લિક્શન સેલ’ ની રચના કરશે.
આ સાથે ઈરાનના વિદેશમંત્રી અરાઘચીએ એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતાને કારણે ઇરાન પરથી ઓઈલ નિકાસનો પ્રતિબંધ હટી ગયો છે, અમેરિકાએ નેવી બ્લોકેડ દૂર કર્યું છે અને અમારી જપ્ત કરાયેલી અમુક મિલકતો પણ રિલીઝ થઇ ચૂકી છે.

આ મહત્વપૂર્ણ બેઠક રવિવારે શરૂૂ થઈ હતી પરંતુ શરૂૂઆતમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી દીધી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન લેબનાનમાં તેના પ્રોક્સી ગ્રૂપો (હિઝબુલ્લાહ) દ્વારા મુશ્કેલીઓ ઊભી કરવાનું બંધ નહીં કરે, તો અમેરિકા ઈરાન પર સીધો લશ્કરી હુમલો કરી શકે છે.
ટ્રમ્પની આ ધમકીથી નારાજ થઈને ઈરાનના મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બાકર ગાલિબાફે વળતો પ્રહાર કરતા કહ્યું કે, “ટ્રમ્પે પોતાના નિવેદનોમાં સાવચેતી રાખવી જોઈએ. અમારી સશસ્ત્ર સેનાઓ અલગ રીતે જવાબ આપવા સક્ષમ છે.” આ વિરોધમાં ઈરાની પ્રતિનિધિમંડળ કતરના અધિકારીઓને મળીને બેઠક છોડીને બહાર નીકળી ગયું હતું, જેથી એક સમયે મંત્રણા તૂટી ગઈ હોવાની અફવાઓ ફેલાઈ હતી. જોકે, અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમની રાજદ્વારી ટીમ આખી રાત સતત બેઠકોમાં વ્યસ્ત રહી હતી અને ઈરાનને ફરી ટેબલ પર લાવવામાં સફળતા મેળવી હતી.

ઈરાની સરકારી ટીવી ચેનલના અહેવાલ મુજબ, રવિવારે યોજાયેલી પ્રથમ 80 મિનિટની વાતચીતમાં પરમાણુ કાર્યક્રમ પર સીધી ચર્ચા નહોતી થઈ, પરંતુ અગાઉ થયેલા સમજૂતી જ્ઞાપન (MoU) ને લાગુ કરવા અને લેબનાનની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને સ્પષ્ટ કર્યું છે કે તેહરાન યુરેનિયમ સંવર્ધન (Enrichment)ં નો પોતાનો અધિકાર નહીં છોડે, પરંતુ તેમણે ફરી દોહરાવ્યું કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા નથી માંગતું અને તેઓ આ અંગે લેખિત ગેરંટી આપવા પણ તૈયાર છે. બીજી તરફ, ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ચેતવણી આપી છે કે ઈઝરાયેલી સૈનિકો જ્યાં સુધી જરૂૂર હશે ત્યાં સુધી દક્ષિણ લેબનાનમાં રહેશે અને તેઓ ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર મેળવવા નહીં દે.

ટ્રમ્પની દરેક વાત માનવી જરૂરી નથી : ઈઝરાયલનો ખોંખારો

ઇઝરાયલના રાષ્ટ્રપ્રમુખ બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના પોતાના સંબંધોને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. ઇન્ટરનેશનલ પોલિસી સમિટમાં સંબોધન કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે, અમે બંને સ્વતંત્ર અને ગૌરવશાળી દેશોના નેતાઓ છીએ. આથી, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ મારી બધી જ વાતો સ્વીકારે તે જરૂૂરી નથી અને હું પણ તેમની દરેક ઇચ્છા પૂરી કરી શકું નહીં. કેટલીક બાબતોમાં અમારા બંનેના વિચારો ભિન્ન હોઈ શકે છે. પશ્ચિમ એશિયામાં હમાસ, હિઝબુલ્લાહ અને ઇરાન સમર્થિત જૂથો સાથે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે આ નિવેદનને વૈશ્વિક રાજકીય વિશ્ર્લેષકો અત્યંત ગંભીરતાથી જોઈ રહ્યા છે.