તરણેતરમાં 15 વર્ષની લાંબી લડાઈ બાદ ખેડૂતોને મળ્યો હકનો ન્યાય

જમીન એ માત્ર મિલકત નથી, પરંતુ તે એક ખેડૂતની ઓળખ, સ્વાભિમાન અને પેઢીઓનો વારસો છે. છેલ્લા 15 વર્ષથી અસામાજિક તત્વોના ગેરકાયદે કબજા હેઠળ રહેલી તરણેતર…

જમીન એ માત્ર મિલકત નથી, પરંતુ તે એક ખેડૂતની ઓળખ, સ્વાભિમાન અને પેઢીઓનો વારસો છે. છેલ્લા 15 વર્ષથી અસામાજિક તત્વોના ગેરકાયદે કબજા હેઠળ રહેલી તરણેતર ગામની 21 વીઘા જમીન, ચોટીલા પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર એચ.ટી. મકવાણાની કાયદાકીય દ્રઢતા અને ત્વરિત કાર્યવાહીના પરિણામે આખરે મૂળ માલિકોને પરત મળી છે.

આ સમગ્ર મામલા અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા ડીવીઝનનાં થાનગઢ તાલુકાના તરણેતર ગામના ખારા તરીકે ઓળખાતા વિસ્તાર એવા સર્વે નંબર 742ની 21 વીઘા જમીન નરેન્દ્રગીરી હેમતગીરી ગૌસ્વામી, હસમુખગીરી ઇશ્વરગીરી ગૌસ્વામી અને રવિગીરી વિઠ્ઠલગીરી ગૌસ્વામીની માલિકીની હતી. છેલ્લા દોઢ દાયકાથી આ જમીન પર અસામાજિક તત્વોએ ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખ્યો હતો. અરજદારોએ વર્ષો સુધી અનેક જગ્યાએ રજૂઆતો કરી હોવા છતાં ન્યાય મળતો ન હતો.

આ સમગ્ર મામલે અરજદારોએ ચોટીલાના નાયબ કલેકટર સમક્ષ રજૂઆત કરાયેલ હતી. અરજીની ગંભીરતાને સમજીને વહીવટીતંત્રએ તાત્કાલિક અસરથી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. જમીન મુક્તિની આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પ્રશાસને માત્ર કાયદાનું પાલન જ નથી કર્યું, પરંતુ અરજદારોની પીડાને સમજીને તેમને ન્યાય અપાવ્યો છે.પ્રશાસન દ્વારા સંવેદનશીલતા અને ત્વરિત કાર્યવાહી કરતા જમીન પચાવી પાડવાની અસામાજિક પ્રવૃતિ કરતા લોકો ને કાયદાનું ભાન કરાવવામાં આવતા આવા ગોરખધંધા કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

11 જૂન 2026ના રોજ પોતાની જમીનનો કબજો પરત મળતા અરજદારોએ રૂૂબરૂૂ મળી નાયબ કલેકટર એચ.ટી. મકવાણાનો હર્ષ ના આસુ સારતા આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસનની “જનકેન્દ્રિત, સંવેદનશીલ અને પરિણામલક્ષી” કામગીરીનું એક અધિકારી એ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સફળ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેદા થયો છે, જ્યારે સામાન્ય નાગરિકોનો વહીવટીતંત્ર અને ન્યાય પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.