પેટ્રોલની નિકાસ ઉપર આજથી જ 3 રૂપિયા વધારાની એક્સાઇઝ ડ્યૂટી

સ્થાનિક બજારમાં ઇંધણ પુરવઠો જાળવવા સરકારનું પગલું કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ઈંધણની અછત ન સર્જાય અને ભાવ પર અંકુશ મેળવી શકાય તે હેતુથી ઈંધણની નિકાસ…

સ્થાનિક બજારમાં ઇંધણ પુરવઠો જાળવવા સરકારનું પગલું

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ઈંધણની અછત ન સર્જાય અને ભાવ પર અંકુશ મેળવી શકાય તે હેતુથી ઈંધણની નિકાસ પરના ડ્યુટી દરોમાં મોટા ફેરફારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આજથી જ અમલી બનનારા આ નવા નિયમો અનુસાર, પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર 3 રૂૂપિયા સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી લાદવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 27 માર્ચ 2026 પછી આ પ્રથમ પ્રસંગ છે જ્યારે સરકારે પેટ્રોલની નિકાસ પર આ પ્રકારનું શુલ્ક લાદ્યું છે.

આ નિર્ણયનો સીધો ફાયદો સામાન્ય નાગરિકોને મળશે. જ્યારે સરકાર નિકાસ પર ડ્યુટી લાદે છે, ત્યારે તેલ કંપનીઓ માટે વિદેશમાં ઈંધણ વેચવું મોંઘું બને છે. આથી કંપનીઓ નિકાસ કરવાને બદલે ભારતની અંદર જ એટલે કે સ્થાનિક બજારમાં પેટ્રોલ વેચવા માટે પ્રોત્સાહિત થશે. આ વ્યૂહરચનાને કારણે દેશમાં પેટ્રોલની અછત સર્જાવાની શક્યતા નહિવત બની જશે અને ગ્રાહકોને પૂરતો પુરવઠો મળી રહેશે.

સરકારના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવીને ભાવમાં થતા અચાનક ઉછાળાને રોકવાનો છે. પૂરતો પુરવઠો હોવાથી સામાન્ય ગ્રાહકો માટે લાંબા ગાળે ભાવ સ્થિર રહી શકશે. આ ઉપરાંત, ડિઝલ અને એટીએફ (હવાઈ ઈંધણ) પરની નિકાસ ડ્યુટીમાં સરકારે ધરખમ ઘટાડો કર્યો છે. ડિઝલ પરની ડ્યુટી 23 રૂૂપિયાથી ઘટાડીને 16.5 રૂૂપિયા અને એટીએફ પર 33 રૂૂપિયાથી ઘટાડીને 16 રૂૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.