રાજકોટ રેન્જ પોલીસને મોટી સફળતા મળી છે, અને છેલ્લા 20 વર્ષથી છેતરપીંડીના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ટીમે ઝડપી પાડ્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જના જિલ્લાઓમાં લાંબા સમયથી ફરાર આરોપીઓને શોધવા માટે ખાસ અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાન અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા તથા સ્ટાફ સતત કામગીરી કરી રહ્યા હતા.
દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફના સંદિપસિંહ ઝાલા, મિતેશભાઈ પટેલ અને કમલેશભાઈ રબારી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે આરોપી ઇમ્તયાઝ ઉર્ફે ભોલો નુરમામદ દરજાદા (રહે. અંકલેશ્વર, ભરૂૂચ) સામે જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2,006 ની સાલમાં છેતરપિંડીનો એક ગુનો નોંધાયો છે, તેમજ મહેસાણા કડી પોલીસ સ્ટેશનમાં પણ આઇ.પી.સી. કલમ 406 અને 420 હેઠળ નોંધાયેલા છે. આરોપી છેલ્લા બે દાયકાથી પોલીસને ચકમો આપી રહ્યો હતો, પરંતુ ટીમે તેને અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડ્યો હતો.
બાદમાં તેને જામનગર સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જ્યાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. બાર, પી.એસ.આઇ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા તથા એ.એસ.આઇ. સંદિપસિંહ ઝાલા, મિતેશભાઈ પટેલ અને કમલેશભાઈ રબારીનો મહત્વનો ફાળો રહ્યો છે.

