જેતપુર-જૂનાગઢ નેશનલ હાઇવે પર જેતલસર ગામ નજીક આવેલી પીડીબી સ્કૂલ સામેના સર્વિસ રોડ પર રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે ધસી આવેલા એક રીક્ષા ચાલકના ચાલકે મોટરસાયકલ પર જઇ રહેલા બે જીઆરડી જવાનોને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં એક જવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા જવાનને ગંભીર ઇજા પહોંચી હતી.જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું પણ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, પીપળવા ગામના રહીશ અને જીઆરડીમાં ફરજ બજાવતા જગજીવનભાઈ દુધાભાઈ પટોડીયા (ઉં. 50) અને તેમની સાથે નોકરી કરતા પોપટભાઈ સુરાભાઈ ચાવડા પોતાની ફરજ પૂર્ણ કરીને બાઇક પર પરત ઘરે જઇ રહ્યા હતા. આ દરમિયાન જેતલસર નજીક સામેથી રોંગ સાઇડમાં આવેલા અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા.ગંભીર ઇજાઓ થવાને કારણે જગજીવનભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પોપટભાઈ ચાવડાને વધુ સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું પણ સારવાર દરમિયાન મોત નિપજતા શોક છવાઈ ગયો હતો.આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
