નાડાના રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલમાં અભિષેક-અક્ષરના નામ સામેલ

સ્મૃતિ મંધાના-શ્રેયસના નામના સ્થાને કેફી દૃવ્યોનું કે પ્રતિબંધિત દવાનું સેવન કરવામાં આવ્યું છે કે નહીં એની તપાસ માટે વર્લ્ડ ઍન્ટિ ડોપિંગ એજન્સી (ડબ્લ્યૂએડીએ-WADA)ના નેજા હેઠળ…

સ્મૃતિ મંધાના-શ્રેયસના નામના સ્થાને

કેફી દૃવ્યોનું કે પ્રતિબંધિત દવાનું સેવન કરવામાં આવ્યું છે કે નહીં એની તપાસ માટે વર્લ્ડ ઍન્ટિ ડોપિંગ એજન્સી (ડબ્લ્યૂએડીએ-WADA)ના નેજા હેઠળ ભારતની નેશનલ ઍન્ટિ-ડોપિંંગ એજન્સી (NADA)ના રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (RTP)માં હમણાં સુધી ભારતની મહિલા વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી સ્મૃતિ મંધાના અને મેન્સ ક્રિકેટના અગ્રગણ્ય ખેલાડી શ્રેયસ ઐયરના નામ હતા, પરંતુ હવે નાડાના લિસ્ટમાં તેમના સ્થાને અભિષેક શર્મા અને અક્ષર પટેલના નામ સમાવવામાં આવ્યા છે.

ટી-20 ઇન્ટરનેશનલના વર્લ્ડ નંબર-વન બેટ્સમેન અભિષેક શર્મા અને ભારતના ઑલરાઉન્ડર અક્ષર પટેલનો સમાવેશ 348 સ્પોર્ટ્સપર્સન્સવાળી એવી યાદીમાં કરવામાં આવ્યો છે જેમણે તપાસ માટે નાડાના અધિકારીનો કોલ આવે ત્યારે પોતે ક્યાં છે એની જાણકારી આપવી પડશે તેમ જ નિર્ધારિત તારીખે તપાસ માટે હાજરી આપવી પડશે. જો કોઈ ખેલાડી કે ઍથ્લીટ અધિકારી તરફથી આવતા કોલનો ત્રણ વખત સંતોષકારક જવાબ ન આપે અથવા જવાબ આપવાનું ટાળે તો એને ડોપિંગ સંબંધિત કાનૂનનું ઉલ્લંઘન કર્યું કહેવાય અને એ પ્લેયર કે ઍથ્લીટ વિરુદ્ધ કડક પગલાં લઈ શકાય. હાલમાં નાડાના લિસ્ટમાં ભારતના જે ખેલાડીઓના નામ છે એમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, જસપ્રીત બુમરાહ, કે. એલ. રાહુલ, અર્શદીપસિંહ અને તિલક વર્માનો સમાવેશ છે. મહિલા ક્રિકેટરોમાંથી દીપ્તિ શર્મા, શેફાલી વર્મા અને રેણુકા સિંહ ઠાકુરના નામ પણ આ યાદીમાં છે.