Site icon Gujarat Mirror

મોરબી પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો આપ નેતાનો આક્ષેપ

યુવાનના અપહરણ કેસમાં માત્ર અરજીઓ લઈ ફરિયાદીને સમાધાન કરવા પોલીસનું દબાણ, ગુનેગારો સામે ધમકાવતાં હોવાની રાવ, ન્યાય નહીં મળે તો આંદોલનની ચિમકી

મોરબીમાં કારના હપ્તા ચડી જતા યુવકને કેટલાક શખ્સોએ ઉઠાવી જઈ ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાથે પાટીદાર અગ્રણી મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ પોલીસ કામગીરી ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા. આગામી દિવસોમાં જો આ યુવકને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તેઓએ ચીમકી ઉચ્ચારી છે.

સમગ્ર બનાવની વાત ક2તાં હાલ મોરબી રહેતા અને મૂળ આમરણ બેલાના પાર્થ બોપલિયા નામના યુવકે જણાવ્યું હતું કે, 1 સપ્ટેમ્બરના રોજ શક્તિ બોરીચા નામના વ્યક્તિનો મારા પર ફોન આવ્યો હતો અને ત્રણ લાખ રૂૂપિયા જે આપવાના છે તે નહીં આપતો હું તારા ઘરે આવીશ તેમ કહ્યું હતું. જેથી હું તેને મળવા ગયો હતો. ત્યાંથી તેણે મને ગાડીમાં બેસાડ્યો હતો અને પંચાસર રોડ પર લઈ ગયો હતો. જ્યાંથી કાનભા ગઢવી નામના એક વ્યક્તિ કારમાં બેસ્યા હતા. અમે ત્રણેય ત્યાંથી વાવડી પાસે કેનાલ રોડ પર ઉભા રહ્યા હતા અને ત્યાંથી મને તેઓ અંદર લઈ ગયા હતા અને ત્યાં શક્તિ બોરીચા અને રાજભા ગઢવીએ મને માર માર્યો હતો. ત્યારબાદ મારા પપ્પાને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે તમારા છોકરાએ 7 લાખ લીધા છે તેમાંથી ત્રણ લાખ આપવાના છે. પરંતુ મારા પપ્પાએ કહ્યું હતું કે, મારી પાસે રૂૂપિયા નથી અને મારા પપ્પા ત્યાંથી નીકળ્યા હતા તો તેમનું બાઈક પણ લઈ લીધું હતું. મારા બંને મોબાઈલ પણ શક્તિ બોરીચાએ લઈ લીધા હતા.

આ ઘટના બાદ મારા પપ્પા, મારા બનેવી અને અમે મનોજભાઈ પનારાનો સંપર્ક કર્યો હતો. જેથી મનોજભાઈ પનારા અને તેમનાં મિત્રો આવ્યા હતા અને 11:00 વાગે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં અમારી અરજી લેવામાં આવી હતી અને બીજા દિવસે આવવા જણાવ્યું હતું. બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં અમારી સામે આરોપીઓને બેસાડ્યા હતા. પરંતુ ત્યાં જે ગઢવી સાહેબ હતા તે અમારી ફરિયાદ લેતા ન હતા. ત્યારબાદ આજે અમને 11:00 વાગે એ ડિવિઝન પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા. મનોજભાઈ પનારાને સાથે લઈને અમે પોલીસ સ્ટેશન ગયા હતા.

પરંતુ ત્યાં પણ આરોપીઓ અમને પોલીસની હાજરીમાં ધમકી આપતા હતા અને પોલીસ દ્વારા અમને સમાધાન કરવા માટે કહેવામાં આવી રહ્યું હતું. આરોપીઓ સામે ફરિયાદ ન નોંધાવવા દબાણ ક2વામાં આવી રહ્યું હતું. પોલીસ સ્ટેશનમાં કાનભા ગઢવીએ એમ પણ કહ્યું હતું કે, અત્યારે ભલે અમે જેલમાં જઈએ છીએ પરંતુ બહાર આવીને મર્ડર કરતા પણ વાર નહીં લાગે આ અંગે પાટીદાર અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે,મોરબીમાં દિવસે ને દિવસે ક્રાઈમ ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. ગૃહ મંત્રી મોરબીમાં આવીને લોકોને સાંભળી રહ્યા છે તેમ છતાં મોરબી ક્રાઈમનું હબ બની રહ્યું છે આવારા તત્ત્વો દ્વારા ગુંડાગીરી, અત્યાચાર,લુખ્ખાગીરી, વ્યાજખોરી કરવામાં આવી રહી છે. મોરબીમાં પોલીસનો ડર જરા પણ રહ્યો નથી. પોલીસ પણ ફરિયાદીની ફરિયાદ લેતી નથી અને ઉલટાનું ફરિયાદીને ધમકાવીનેઆરોપીઓનો પક્ષ લઈ રહી છે. મોરબી પોલીસ જાણે ન્યાય કરવા લાગી હોય તેવું લાગી રહ્યું છે અને ફરિયાદીને ખોટા સાબિત કરીને આરોપીઓને સાચા સાબિત કરવા મથામણ કરતી હોય છે. પોલીસ આરોપીઓની કઠપૂતળી બની ગઈ છે.

હપ્તા લેતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પોલીસે ખરેખર રાજીનામાં આપીને ગુંડાઓની ટોળીમાં ભળી જવું જોઈએ.અમારા જેવા આગેવાનો પણ બે ત્રણ વખત પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ લખાવવા પ્રયત્ન કરે તેમ છતાં આવા યુવાનોની ફરિયાદ લેવામાં આવતી નથી. મારી હાજરીમાં આરોપીઓ આ ફરિયાદી યુવકને ધમકીઓ આપતા હતા. જો આ કેસમાં ન્યાય નહિ મળે તો આગામી દિવસોમાં જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરીશું. તેમ છતાં જો કાર્યવાહી નહીં થાય તો આઈજી સાહેબને રજૂઆત કરીશું અને ત્યાંથી પણ જો ન્યાય નહીં મળે તો ગાંધીનગર ગૃહ મંત્રીને મળીને આવા અનેક કેસોમાં જ્યાં એફઆઈઆર નથી લેવાઈ તેની રજૂઆત કરીશું અને મોરબીના અને સમાજના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. આ અંગે એ ડિવિઝન પીઆઈ રાકેશ પટેલે જણાવ્યું કે અરજી મળી છે. અરજીના કામે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અરજી કરનારે પણ અપહરણ થયું હોવાનું કહ્યું નથી. એમાં તેઓ જાતે ગયા હોવાનું કહ્યું છે. આ મામલે અટકાયતી પગલાંની કાર્યવાહી કરવામાં આવી છે.

Exit mobile version