Site icon Gujarat Mirror

પ્રેમ લગ્ન કરનાર યુવકને પત્નીની નજર સામે વેંતરી નાખ્યો

સાળા સહિત ત્રણ શખ્સોએ ખેલ્યો ખુની ખેલ, જામનગરમાં ચોંકાવનારી ઘટના

જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર વણિક યુવાનની તેની પત્નીની નજર સામે જ સાળા સહિત ત્રણ શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીંકી વેંતરી નાખતા ભારે હાહાકાર મચી જવા પામેલ છે.

જામનગરમાં પંચેશ્વર ટાવર વંડા ફળી વિસ્તારમાં વસંત પંચમી જેવા પવિત્ર તહેવારના દિવસે ધોળે દહાડે એક યુવાનની હત્યા નીપજાવાતાં ભારે ચકચાર જાગી છે. જે હત્યામાં પ્રેમ લગ્ન કારણભુત હોવાનું અને મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોએ છરી ના ઘા જીકી દઇ હત્યા નીપજાવ્યાનો આક્ષેપ કરાયો છે. પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડતો થયો છે, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ હિચકારા હત્યા ના બનાવની વિગત એવીછે કે જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં આદિનાથ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા નિલય અશોકભાઈ કુંડલીયા નામના વાણિક યુવાન પર વસંત પંચમીના દિવસે સવારે 1:45 વાગ્યાના અરસામાં ત્રણે જેટલા શખ્સોએ આવીને છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી દેતાં નિલય કુંડલીયા લોહી લુહાણ થઈને ઢળી પડ્યો હતો. આ વેળાએ ઘરમાં હાજર રહેલી તેની પત્નીએ ભારે ચિસાચીસ કરી મૂકી હતી, અને તેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. જેમાં પોતે પણ સંપૂર્ણપણે લોહીથી ખરડાઈ હતી. દેકરો થયા બાદ પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા અને સૌપ્રથમ આ બનાવ અંગે 108 ની ટીમને જાણ કરાતાં 108 ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને લોહી નીતરતી હાલતમાં વણિક યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ ત્યાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો, અને બનાવ હત્યામાં પલટાયો હતો.

આ ઘટનાની જાણ થવાથી આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, જ્યારે સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા અને તેઓનો સમગ્ર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના કારણે આ હત્યા નીપજવાઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતક યુવાને થોડા સમય પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હોવાથી પ્રેમિકાના પરિવારને પસંદ નહિ પડતાં પ્રેમિકાના ભાઈ સહિતના 3 શખ્સો છરી લઈને ધસી આવ્યા હોવાનું અને આ હીંચકારો હુમલો કરી દીધો હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો છે. સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

Exit mobile version