જસદણના શિવરાજપુર ગામે પ્રેમપ્રકરણમાં યુવક ઉપર હુમલો કરી યુવતીનું અપહરણ

જસદણ તાલુકાના શિવરાજપુર ગામે પ્રેમલગ્ન મામલે બે પરિવાર વચ્ચેના મનદુ:ખમાં મધ્યરાત્રિએ ફિલ્મી ઢબે હુમલો અને તોડફોડ કરી મારામારી થઇ હતી. કરીયાણા ગામની યુવતી સાથે ત્રણ…

જસદણ તાલુકાના શિવરાજપુર ગામે પ્રેમલગ્ન મામલે બે પરિવાર વચ્ચેના મનદુ:ખમાં મધ્યરાત્રિએ ફિલ્મી ઢબે હુમલો અને તોડફોડ કરી મારામારી થઇ હતી. કરીયાણા ગામની યુવતી સાથે ત્રણ મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર યુવકના ઘરે આવી યુવતીના પરીવારના સભ્યોએ હથિયારો સાથે ત્રાટકીને તોડફોડ કરી હતી અને યુવકને માર મારી તેની પત્નીનું જબરદસ્તીથી અપહરણ કરી જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે જસદણ પોલીસ મથકે વિધિવત રીતે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, શિવરાજપુર ગામે રહેતા અને ડ્રાઇવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા 24 વર્ષીય વનરાજભાઈ કાળુભાઈ ગમારાએ (જાતે ભરવાડ) આ અંગે ફરિયાદ નોંધાવી છે. વનરાજે ત્રણેક મહિના પૂર્વે કરીયાણા ગામના રેવાભાઈ સાનીયાની પુત્રી વૈશાલી સાથે પ્રેમલગ્ન કર્યા હતા, જે વૈશાલીના પરિવારજનોને મંજૂર નહોતું. 14 જુલાઈ 2026ના રોજ રાત્રિના આશરે એક વાગ્યાના સુમારે, જ્યારે વનરાજ અને તેની પત્ની રૂૂમમાં સૂતા હતા, ત્યારે આશરે છ થી સાત ઈસમોનું ટોળું લાકડીઓ, ધોકા અને કુહાડી જેવા પ્રાણઘાતક હથિયારો સાથે ધસી આવ્યું હતું. હુમલાખોરોએ સૌપ્રથમ ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને બારીના કાચ ફોડી નાખી કુહાડી વડે રૂૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

ઘરમાં ઘૂસેલા આરોપીઓમાં વનરાજના સસરા રેવાભાઈ સાનીયા, સાળો મહેશ સાનીયા (બંને રહે. કરીયાણા, તા. બાબરા) તેમજ રૂૂડાભાઈ સાનીયા અને વશરામભાઈ સાનીયા (બંને રહે. ભીમડાદ, તા. ગઢડા) સહિત અન્ય ત્રણ અજાણ્યા માણસો સામેલ હતા. રૂૂમમાં પ્રવેશીને સાળા મહેશ સાનીયાએ વનરાજ ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ વૈશાલીને જબરદસ્તીથી ખેંચી જવાનો પ્રયાસ કરતા વનરાજે તેનો હાથ મજબૂતાઈથી પકડી રાખ્યો હતો, પરંતુ સસરા અને અન્ય સાગરીતોએ વનરાજને પકડી પાડ્યો હતો. આરોપીઓ વૈશાલીનું મોઢું દબાવી, તેને સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા કાર નંબર જીજે -01-એચવાય-8564 માં નાખીને નાસી છૂટ્યા હતા. જતાં-જતાં આરોપીઓએ ધમકી આપી હતી કે, “જો પાછળ આવીશ તો વૈશાલીને અને તારા આખા પરિવારને જાનથી મારી નાખીશું.”

આ ચકચારી ઘટના અંગે જસદણ પોલીસે વનરાજ ગમારાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચી અપહરણની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે. જસદણના પીએસઆઈ એમ.ડી. વાઘેલાએ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે અને અપહૃત યુવતી તેમજ નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.