ગોંડલમાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર સોડામાં ઝેરી દવા ભેળવી ગટગટાવી લીધી હતી. યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં જેતપુર રોડ પર રહેતાં નિલેશ રવજીભાઈ પરમાર નામનો 19 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક નિલેશ પરમાર ત્રણ ભાઈમાં નાનો હતો અને ડ્રાઈવીંગ કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. નિલેશ પરમારના મોટાભાઈ જનકભાઈ પરમારનું સાત માસ પૂર્વે જ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. નિલેશ પરમારે કોઈ અગમ્ય કારણોસર સોડામાં ઝેરી દવા ભેળવી આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
