Site icon Gujarat Mirror

બે ડમ્પર વચ્ચે દબાઇ જતા ક્લિનર યુવકનું દર્દનાક મોત

કંડલા-મોરબી હાઇવે પર હરિપર બ્રિજ પાસે દુર્ઘટના સર્જાઇ

કંડલા-મોરબી નેશનલ હાઈવે પર હરિપર રેલ્વે બ્રિજ પાસે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. હરિયાણાથી જામનગર તરફ જઈ રહેલા પાંચ ડમ્પરોના કાફલા પૈકી એક બંધ પડેલા ડમ્પરને ધક્કો મારી ચાલુ કરવાનો પ્રયાસ જીવલેણ સાબિત થયો હતો. ડમ્પર ચાલકે ગફલતભરી રીતે વાહન રિવર્સ લેતા પાછળ ઉભેલો 46 વર્ષીય પ્રોઢ બંને ડમ્પરના ઠાઠા (પાછળના ભાગ) વચ્ચે દબાઈ ગયો હતો.

જેના કારણે ગંભીર ઈજાઓ થતા તેનું કરુણ મોત નીપજ્યું છે. હરિયાણાની નૈની ઇન્ફ્રા. કંપનીના પાંચ ડમ્પરો જામનગર રિલાયન્સ કંપનીમાં કામ અર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન ડમ્પર નં. HR 69 E 7301 રસ્તામાં બંધ પડી ગયું હતું. તેને ચાલુ કરવા માટે આરોપી ડ્રાઈવર પ્રદીપ રમેશ કશ્યપે પોતાના ડમ્પર (નં. HR 69 E 7301) વડે પાછળથી ધક્કો મારવાનું નક્કી કર્યું હતું. આ સમયે અન્ય ડમ્પરનો ક્લીનર સંજય ભૈયારામ કશ્યપ બંને વાહનોની વચ્ચે ઉભો હતો. ડ્રાઈવર પ્રદીપે પાછળ જોયા વગર પૂરઝડપે ડમ્પર રિવર્સ લેતા સંજય બંને વાહનો વચ્ચે કચડાઈ ગયો હતો. તેને તાત્કાલિક માળિયા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. માળિયા (મી) પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version