ગાંધીનગરના નવા સચિવાલયમાં ફરી એકવાર ઝેરી સાપનું આગમન થતાં કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. છેલ્લા 15 દિવસમાં 5 સાપનું રેસ્ક્યુ કરાયું છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને અસહ્ય બફારા વચ્ચે ઠંડક શોધતા જીવો હવે માનવ વસાહતો તરફ દોટ મૂકી રહ્યા છે. આજે સવારે સચિવાલયના ગેટ નં. 1 પાસે આવેલા પ્લાન્ટેશનમાં ઝેરી પ્રજાતિનો ખડચિતળો જોવા મળતા અફડાતફડી મચી ગઈ હતી. જોકે માળીકામ કરી રહેલા કર્મચારીઓની સતર્કતાને કારણે સમયસર જાણ થતાં સાપને સુરક્ષિત પકડી લેવાયો હતો.
આજે 1 જૂન સવારે અંદાજે 9.45 વાગ્યાના અરસામાં સચિવાલયના ગેટ નંબર એકની અંદર પ્રવેશવાના મુખ્ય માર્ગ પાસે પ્લાન્ટેશનમાં માળીકામ કરી રહેલા કર્મચારીઓનું ધ્યાન સાપ પર પડ્યું હતું. પ્લાન્ટેશનની આસપાસ એક ઝેરીલો સાપ જોવા મળતા કર્મચારીઓએ તાત્કાલિક સાવચેતી દાખવી સ્થળ પરથી દૂર ખસી ગયા હતાં. ત્યારબાદ આ અંગેની જાણ સચિવાલય સુરક્ષા અને વહીવટી તંત્ર દ્વારા વન્ય જીવોના મિત્ર અને સર્પ રેસ્ક્યુની કામગીરીમાં નિપુણ એવા નિવૃત્ત બેન્ક મેનેજર પ્રદીપ સોલંકીને કરવામાં આવી હતી. તેમણે સાવચેતી સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અત્યંત ઝેરી ગણાતા ખડચિતળાને સહીસલામત રીતે પકડી પાડીને સુરક્ષિત ક્ધટેનરમાં કેદ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા પંદર દિવસના ગાળામાં જ નવા સચિવાલય પરિસરમાંથી પ્રદીપ સોલંકી દ્વારા કુલ 5 સર્પોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં અતિ ઝેરી ગણાતા ખડચિતળા અને નાગ જેવા સર્પોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય બિનઝેરી સર્પોને પણ તેમણે સલામત રીતે બચાવ્યા છે.
